Site icon Revoi.in

રાજસ્થાનઃ 4 વર્ષની બાળકી ઉપર બળાત્કાર ગુજારી હત્યા કરનારા હત્યારાને કોર્ટે ફરમાવી ફાંસીની સજા

Social Share

નવી દિલ્હીઃ જયપુરમાં ચાર વર્ષની બાળકી પર બળાત્કાર અને હત્યાના કેસમાં પોક્સો કોર્ટના જયપુર જિલ્લા ન્યાયાધીશ સંદીપ શર્માએ આરોપી સુરેશને ફાંસીની સજા સંભળાવી છે. ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પ્રથમ વખત આરોપીને કોર્ટમાં લાવવામાં આવ્યો હતો. જયપુર જિલ્લામાં પોક્સો એક્ટ હેઠળ ફાંસીનો આ પહેલો કેસ છે. માસૂમ પર બળાત્કાર ગુજાર્યા બાદ આરોપીએ તેણીને તળાવમાં ડુબાડીને મારી નાખી હતી.

આ મામલામાં બાળકીના પિતાએ 12 ઓગસ્ટ 2021ના રોજ નરૈના પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો હતો. પોલીસને તે જ દિવસે બાળકીની લાશ તળાવમાંથી મળી આવી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બાળકી પર બળાત્કાર થયો હોવાની પુષ્ટિ થઈ હતી. 13 ઓગસ્ટના રોજ જયપુર ગ્રામીણ પોલીસે આરોપી સુરેશની ધરપકડ કરીને તેને જેલમાં મોકલી આપ્યો હતો. કેસની તપાસ પૂર્ણ થતાં કોર્ટમાં વિવિધ કલમો હેઠળ ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. પોક્સો કોર્ટમાં આરોપીને ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી.

કોર્ટે આરોપીને બળાત્કાર સહિત આઈપીસીની વિવિધ કલમો હેઠળ દોષિત ઠેરવ્યો હતો. 8 ફેબ્રુઆરીએ, સજા પરની ચર્ચા દરમિયાન, સરકારી વકીલ મહાવીર કિષ્નાવતે આ કેસને ‘રેરેસ્ટ ઓફ ધ રેર’ ગણાવીને સુરેશને ફાંસીની સજા આપવાની કોર્ટમાં માંગ કરી હતી. તેમણે કહ્યું કે દોષિતનું કૃત્ય પ્રાણીઓ કરતા પણ ખરાબ છે. તેણે માસૂમ પર બળાત્કાર જ નહીં પરંતુ તેને તળાવમાં ડુબાડીને નિર્દયતાથી મારી નાખી હતી.

ન્યાયાધીશ સંદીપ શર્માએ પોતાના ચુકાદામાં કહ્યું કે આ કૃત્ય ‘રેરેસ્ટ ઓફ ધ રેર’ કેટેગરીમાં આવે છે. જો તેને મૃત્યુદંડ આપવામાં નહીં આવે, તો POCSO એક્ટ 2012 પસાર કરવાનો હેતુ પૂરો થશે નહીં. તેમજ દિનપ્રતિદિન વધી રહેલા જાતીય ગુનાઓમાં પણ કોઈ ઘટાડો થશે નહીં.