Site icon Revoi.in

રાજકોટના ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઓગસ્ટમાં લોકાર્પણ, હાલ માત્ર ડોમેસ્ટિક સેવા જ શરૂ કરાશે

Social Share

રાજકોટઃ શહેરના અમદાવાદ તરફ જતાં નેશનલ હાઈવે પાસે હીરાસર ગામ નજીક ઈન્ટરનેશનલ એરપોર્ટનું કામ પૂર્ણ થઈ ગયું છે. અને સંભવત ઓગસ્ટ મહિનામાં વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. એટલે રાજકોટ શહેર સહિત સૌરાષ્ટ્રવાસીઓને વિમાની સેવાનો લાભ મળતો થઈ જશે. જો કે એવું કહેવાય છે. કે, હાલ માત્ર ડોમેસ્ટિક સેવા જ શરૂ કરાશે, ઈન્ટરનેશનલ સેવા માટે એકાદ વર્ષની રાહ જોવી પડશે,

હીરાસર એરપોર્ટના ડિરેક્ટર દિગંત બોરાહે જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ થતા હજુ ઓછામાં ઓછો એક વર્ષનો સમય લાગશે. ટર્મિનલ બિલ્ડિંગ બન્યા બાદ એક કલાકમાં ચાર ફ્લાઇટ આવ-જા કરી શકશે. શરૂઆતમાં માત્ર ડોમેસ્ટિક ફ્લાઇટ જ ઉડાન ભરશે. એરપોર્ટ પર દૈનિક ફ્લાઈટ આવ-જાની મર્યાદા 50થી વધારે રહેશે. પરંતુ ફ્લાઇટ કેટલી શરૂ થશે તેનો આધાર એરલાઈન્સ પર રહેલો છે. જ્યાં સુધી ડોમેસ્ટિક ફ્લાઇટ ઓપરેટ થશે ત્યાં સુધી કોઇ કસ્ટમની પ્રક્રિયા શરૂ નહિ થાય પરંતુ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ ઓપરેટ થયા બાદ કસ્ટમની તમામ પ્રક્રિયા શરૂ થશે. આ ઉપરાંત ફ્લાઇટ પાર્કિંગની મર્યાદા પણ વધી શકશે. અત્યારે રાજકોટ એરપોર્ટ પર 6 ફ્લાઇટ પાર્ક થઇ શકે છે, તો બીજી તરફ 180 સીટર એરક્રાફ્ટ આવે છે. જ્યારે નવા એરપોર્ટ પર 350 સીટર એરક્રાફ્ટ જોવા મળશે. 16 જુલાઈમાં એરપોર્ટ શરૂ થઇ જવાનો અંદાજ હતો. પણ હજુ આ મર્યાદા એક મહિના સુધી વધી શકે છે.

તેમણે ઉમેર્યું હતું કે, 15 ઓગસ્ટ કે તે પછી આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું લોકાર્પણ થશે.. અત્યારે સ્ટાફને તાલીમ આપવામાં આવી રહી છે. જેમાં રન વે પ્રોસિજર, સેફ્ટી, પાર્કિંગ સહિતની બાબતનો સમાવેશ કરવામાં આવે છે. જોકે શહેરીજનો અને વેપારીઓના જણાવ્યાનુસાર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ શરૂ થયા બાદ ડોમેસ્ટિક ફ્લાઈટની ફ્રીક્વન્સી વધે તો તેને કારણે સરળતા રહેશે, પરંતુ જો ફ્લાઇટ ફ્રીક્વન્સી નહિ વધે તો ફ્લાઇટ માટે 30 કિમી સુધી વાહનમાં મુસાફરી કરવી પડશે.