Site icon Revoi.in

રક્ષાબંધન ગુરૂવારે, બે તિથી હોવાથી 10.39 બાદ દ્વિજ ધારણ અને રક્ષા બંધાવવા માટે શુભ સમય

Social Share

અમદાવાદઃ રક્ષાબંધનના પર્વને ગણતરીના દિવસ બાકી રહ્યા છે. રક્ષાબંધનના પર્વના દિને બ્રાહ્મણો જનોઈ પણ બદલતા હોય છે. આગામી તારીખ 11 ઓગસ્ટને ગુરુવારે રક્ષાબંધનનો તહેવાર છે. આ વર્ષે રક્ષાબંધનને દિવસે એકસાથે બે તિથિ છે.  એટલે કે, ગુરૂવારે રક્ષાબંધનના દિને સવારે 10.39 સુધી ચૌદશની તિથિ છે જ્યારે 10.39 બાદ જ રક્ષાબંધનનો પર્વ માનવાશે. આ ઉપરાંત આ વર્ષે ભદ્રાદોષ પણ નહીં હોવાથી સવારે 10.39 પછી આખો દિવસ રાખડી બાંધવા માટે અને જનોઈ બદલવા માટે શ્રેષ્ઠ હોવાનું કર્મકાંડી પંડિતોએ જણાવ્યું છે.

કર્મકાંડી પંડિતોના કહેવા મુજબ શ્રાવણ સુદ ચૌદશને ગુરુવારે તારીખ 11ના દિવસે સવારે 10.39 કલાક સુધી ચૌદશની તિથિ છે. તથા શુક્રવારે સવારે 7.06 કલાક સુધી પૂનમની તિથિ છે. આ ઉપરાંત એકમની તિથિનો ક્ષય હોવાથી રક્ષાબંધન ગુરુવારે જ મનાવાશે. પરંતુ સવારે 10.39 કલાક સુધી ચૌદશની તિથિ હોવાથી ત્યારબાદ રાખડી બાંધવી અને યજ્ઞપવિત ધારણ કરવી શ્રેષ્ઠ ગણાશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સામાન્ય રીતે રાખડી બાંધવામાં અને જનોઈ નવી ધારણ કરવામાં વિષ્ટિકરણનો દોષ લાગતો હોય છે પરંતુ આ વર્ષે ગુરુવારે ચૌદશના દિવસે મકર રાશિના ચંદ્રમાં વિષ્ટિકરણ છે. આથી વિષ્ટિકરણ એટલે કે ભદ્રા પાતાળમાં હોવાથી દોષકારક નથી. આમ ગુરુવારે તારીખ 11 ઓગસ્ટના દિવસે સવારે 10.39 પછી પૂનમની તિથિ હોવાથી રાખડી બાંધવી તથા નવી જનોઈ એટલે કે યજ્ઞોપવિત ધારણ કરવી શુભ રહેશે. રક્ષાબંધનના તહેવારને આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે બજારમાં ચારેબાજુ રાખડીના સ્ટોલ લાગ્યા છે. રક્ષાબંધન પર્વ ભાઈ-બહેનના પવિત્ર પ્રેમનું પ્રતિક ગણાય છે. બહેન પોતાના ભાઈને રક્ષા બાંધીને તેની સમૃધ્ધિ અને સુખમય જીવન માટે પ્રાથના કરતી હોય છે.