Site icon Revoi.in

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનમાં વ્યાપક ભ્રષ્ટાચાર, માત્ર નોટિસ આપીને સત્તાધિશો સંતોષ માને છેઃ કોંગ્રેસ

Social Share

અમદાવાદઃ મ્યુનિ કોર્પોરેશનમાં અધિકારીઓથી લઈને કર્મચારીઓમાં બેરોકટોક ભ્રષ્ટાચાર ચાલી રહ્યો હોવાનો કોંગ્રેસે આક્ષેપ કરતા કહ્યું છે. કે, એએમસીનો એકપણ વિભાગ ભષ્ટ્રાચારથી મુક્ત નથી. વર્ષ 2023-24માં આજ દિન સુધી વર્ગ-1ના કુલ 24 અધિકારીઓને શો કોઝ નોટિસ આપવામાં આવી છે. જેઓની ખાતાકીય તપાસ ચાલુ છે. ઉપરાંત વર્ગ – 2ના કુલ 162 અધિકારીઓ તેમજ વર્ગ-3 ના કુલ 77 કર્મચારીઓને  શો કોઝ નોટિસ આપવામાં આવી છે, ભષ્ટ્રાચારમુક્ત શાસન કરવું હોય તો ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધ સખત પગલાં લઈને શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા અધિકારીઓની કામગીરીમાં બેદરકારી અને નબળી કામગીરીના પગલે અધિકારીઓને મ્યુનિસિપલ કમિશનર દ્વારા શો-કોઝ નોટિસ ફટકારવામાં આવે છે, ત્યારે વિપક્ષ કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે, મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ વિભાગોમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. કોંગ્રેસ દ્વારા માંગણી કરવામાં આવી છે કે ભષ્ટ્રાચારમુક્ત શાસન કરવું હોય તો ભ્રષ્ટ અધિકારીઓ વિરુદ્ધ સખત પગલાં લેવામાં આવે તેમજ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે અને દોષિત અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં નહીં આવે તો કોંગ્રેસ પક્ષ દ્વારા આ તમામ બાબતે વિરોધ કરવામાં આવશે.

મ્યુનિ.ના વિપક્ષના નેતા શહેજાદ ખાન પઠાણે આક્ષેપ કર્યો છે કે, મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અનેક લોભામણી જાહેરાતો અને પ્રસિધ્ધિ કરવામાં આવે છે. ભ્રષ્ટાચાર મુક્ત શાસન, સ્વચ્છ અમદાવાદ, વિકસિત અમદાવાદ, લિવેબલ અને લવેબલ સિટી જેવા સ્લોગન આપવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે એએમસીનો એકપણ વિભાગ ભષ્ટ્રાચારથી મુક્ત નથી. વર્ષ 2023-24માં આજ દિન સુધી વર્ગ-1ના કુલ 24 અધિકારીઓને શો કોઝ નોટિસ આપવામાં આવી છે. જેઓની ખાતાકીય તપાસ ચાલુ છે. તેમજ વર્ગ – 2ના કુલ 162 અધિકારીઓને શો કોઝ નોટિસ આપવામાં આવેલી છે. વર્ગ-3 ના કુલ 77 કર્મચારીઓને શો કોઝ નોટિસ આપવામાં આવી છે, જ્યારે વર્ગ- 4ના કુલ 63 કર્મચારીઓને પણ શો કોઝ નોટિસ આપવામાં આવી છે. આમ વર્ગ 1થી 4ના કુલ 326 અધિકારીઓને શો કોઝ નોટિસ આપવામાં આવેલી છે અને કુલ 193 અધિકારીઓને શિક્ષા કરવાની કામગીરી કરવામાં આવી છે. અધિકારીઓને આપવામાં આવેલી નોટિસ પરથી સ્પષ્ટ થાય છે કે વિભાગના અધિકારીઓ-કર્મચારીઓમાં ભ્રષ્ટાચાર ફેલાયો છે.