Site icon Revoi.in

દ્વારકાના રાણ ગામે બાળકી 100 ફુટ ઊંડા બોરવેલમાં પડતા હાથ ધરાયું રેસ્ક્યુ ઓપરેશન

Social Share

જામ ખંભાળિયાઃ રાજ્યમાં ખૂલ્લા બોરવેલમાં બાળકો પડી જવાના અગાઉ પણ બનાવો બની ચૂંક્યા છે. ત્યારે કલ્યાણપુર તાલુકાના રાણ ગામે ઘર આંગણે ફળિયામાં બનાવેલા બોરવેલમાં રમતા-રમતા એક અઢી વર્ષની માસુમ બાળકી પડી જતાં બાળકીને બચાવવા માટે જિલ્લાભરનું તંત્ર કામે લાગ્યું છે. આ ઘટનાની જાણ થતાં જિલ્લા કલેકટર પણ રાણ ગામે દોડી ગયા હતા. દ્વારકાનગરપાલિકાના ફાયરબ્રિગેડ, તેમજ NDRF, SDRFની ટીમ દ્વારા બાળકીને બોરવેલમાંથી બહાર કાઢવા રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યુ છે. ઉપરાંત આર્મીના જવાનોની પણ મદદ લેવામાં આવી છે.

આ બનાવની વિગતો એવી છે. કે, દ્વારકાના રાણ ગામમાં રહેતા એક પરિવારની બાળકી ફળિયામાં રમી રહી હતી. એ દરમિયાન અકસ્માતે બાળકી 100 ફૂટ ઊંડા બોરવેલમાં પડી હતી. આ બનાવની જાણ દ્વારકા નગરપાલિકાના ફાયર વિભાગને કરાતાં ફાયર ટીમ, 108 એમ્બ્યુલન્સ તથા ડોક્ટરોની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. અને  બાળકીને દોરડા વડે બાંધી 15 ફૂટ ઉપર ખેંચી લેવામાં આવી છે અને હજુ બાળકી એંજલને રેસ્ક્યૂ કરવાની પ્રોસેસ શરૂ જ છે. બચાવ ટીમે તેને સતત ઓક્સિજન આપવાની સાથે બચાવ કામગીરી કરી  છે. સાથે સાથે રેસ્ક્યૂ ટીમે પ્લાન B પ્રમાણે JCBની મદદથી ખાડો ખોદી રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરી દીધું છે. NDRF, SDRFની ટીમ સાથે આર્મી પણ બચાવકાર્યમાં લાગી છે.

રાણ ગામના ગ્રામજનોના કહેવા મુજબ એંજલ શાખરા નામની અઢી વર્ષની બાળકી રમતાં રમતાં બોરવેલમાં પડવાની ઘટના બની હતી. બાળકી ફળિયામાં રમતી હતી ત્યારે અચનાક તે બોરવેલ આગળ પહોંચી ગઈ હતી અને અકસ્માતે બોરમાં પડી ગઈ હતી. સ્થાનિક તંત્રએ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી જઈ બાળકીનું રેસ્ક્યૂ-ઓપરેશન હાથ ધર્યું હતું. અચાનક બાળકી બોરવેલમાં પડતાં ગ્રામજનો પણ દોડી ગયા હતાં અને તંત્રને જાણ કરી હતી. 108 એમ્બ્યુલન્સે બોરવેલની અંદર ઓક્સિજન મોકલવાની કામગીરી હાથ ધરી હતી. હાલ બાળકીને દોરડા વડે 15 ફૂટ સુધી ખેંચી લેવામાં આવી છે. સાથે પ્લાન B પ્રમાણે JCBની મદદથી ખાડો ખોદી રેસ્ક્યૂ શરૂ કરી દેવામાં આવ્યું છે.

દ્વારકા ફાયર બ્રિગેડના અધિકારીના કહેવા મુજબ બાળકી 100 ફૂટ ઊંડા બોરવેલમાં ખાબક્તાં હાલ 25થી 35 ફૂટ ઊંડે ફસાઈ હોવાનું અનુમાન હતું. બાળકીને બચાવવા કામ કરી રહ્યા છીએ. 108 એમ્બ્યુલન્સ દ્વારા બોરવેલ અંદર ઓક્સિજન મોકલવામાં આવી રહ્યો છે. કલેક્ટર, મામલતદાર, TDO સહિતના તમામ અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા છે.

જિલ્લા કલેક્ટર અશોક શર્માએ જણાવ્યું હતું કે દ્વારકાના કલ્યાણપુર તાલુકાના રાણ ગામે એક અઢી વર્ષની બાળકી બોરવેલમાં ફસાઈ છે. તેને ઓક્સિજન પહોંચાડી રહ્યા છીએ, સાથે આર્મીની ટીમ પહોંચી છે. અમે રિલાયન્સની ફાયરની ટીમને કહ્યું છે, ઉપરાંત NDRFની ટીમને પણ જાણ કરી છે. આશા છે અમે બાળકીને બચાવી લઈશું.