Site icon Revoi.in

બનાસડેરીના ચેરમેનપદે શંકર ચૌધરી અને વાઈસ ચેરમેન તરીકે ભાવાભાઈ દેસાઈની પુનઃ વરણી

Social Share

પાલનપુર :  બનાસડેરીના ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણી યોજાતા શંકરભાઈ ચૌધરી ચેરમેન તરીકે અને વાઈસ ચેરમેન તરીકે ભાવાભાઈ દેસાઈ પુનઃ ચૂંટાઈ આવ્યા છે. શંકરભાઈ ચૌધરી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે સેવા આપી રહ્યા છે. આમ તેઓ મહત્વના હોદ્દા પર બિરાજમાન હોવાથી બનાસડેરીના ચેરમાનપદે અન્ય કોઈને પસંદ કરવામાં આવશે તેવી અટકળો ચાલી હતી, પણ આખરે શંકરભાઈને રિપિટ કરવામાં આવ્યા છે.

એશિયાની સોથી મોટી અને કરોડોનું વાર્ષિક ટર્ન ઓવર ધરાવતી બનાસડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી. જેમાં બનાસડેરીના ચેરમેન પદે શંકરભાઈ ચૌધરી બિનહરીફ ચૂંટાયા છે. તો વાઈસ ચેરમેન પદે ભાવાભાઈ દેસાઈ બિનહરીફ ચૂંટાયા છે. અઢી વર્ષ માટે ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણી થઈ હતી. ત્યારે બંને અઢી વર્ષ માટે ચેરમેન અને વાઈસ ચેરમેન પદે ચૂંટાયા છે. આમ, શંકર ચૌધરી અને ભાવભાઈ દેસાઈ પોતાના હોદ્દાઓ પર યથાવત રહેશે.

સૂત્રોના જણાવ્યા મુજબ બનાસડેરીના નિયામક મંડળના પ્રથમ ટર્મના ચેરમેન શંકર ચૌધરી અને વાઇસ ચેરમેન ભાવભાઈ દેસાઈની અઢી વર્ષની ટર્મ પુરી થતા આજે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં બનાસડેરીમાં ચૂંટણી યોજાઈ હતી. વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી, બનાસકાંઠા સાંસદ પરબત પટેલ, ધાનેરાના પૂર્વ ધારાસભ્ય જોઈતાભાઈ પટેલ, બનાસ બેન્કના પૂર્વ ચેરમેન અણદાભાઈ પટેલ સહિત બનાસડેરીના 16 ડિરેક્ટરોમાંથી ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી કરી હતી. જોકે હવે બનાસડેરીમાં મેન્ડેડ પ્રથા અમલી બનતાં ભાજપ કોને મેન્ડેડ આપશે તેના ઉપર સૌની નજર હતી. આ વચ્ચે શંકર ચૌધરી ફરીથી બનાસડેરીના ચેરમેન બને તેવી પૂરેપૂરી શક્યતાઓ હતી. આખરે બનાસડેરીના ચેરમેન પદે શંકર ચૌધરી બિનહરીફ ચૂંટાયા છે. તો વાઈસ ચેરમેન પદે ભાવાભાઈ દેસાઈ બિનહરીફ ચૂંટાયા છે.

આજે ચૂંટણી પહેલા શંકર ચૌધરીએ પોતાના તમામ ડિરેક્ટરો સાથે બનાસડેરીના કેમ્પસમાં આવેલ દુધેશ્વર મહાદેવના દર્શન કરી પૂજા અર્ચના કરી હતી. શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે, બનાસડેરી પશુપાલકો માટે સતત કામ કરી રહી છે અને અનેક પ્રોજેક્ટ ઉભા કર્યા છે. રોજ પશુપાલકોના ખાતામાં 34 કરોડ રૂપિયા આપી રહ્યા છીએ. શ્વેત ક્રાંતિની જેમ મધને લઈને સ્વીટ ક્રાંતિ કરી છે.