Site icon Revoi.in

માન્યતા પ્રાપ્ત ‘મેડ ઇન ઇન્ડિયા’ TB ઇન્ફેક્શન પરીક્ષણ ‘c-TB’ની શરૂઆત કરીશું : ડૉ. માંડવિયા

Social Share

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે અહીં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ‘સ્ટોપ TB ભાગીદારી’ની 35મી બોર્ડ બેઠકમાં સંબોધન કર્યું હતું.

ઉચ્ચ ભારણ ધરાવતા દેશોમાં TB કાર્યક્રમ પર કોવિડ-19 મહામારીની તીવ્ર અસરનો ખાસ ઉલ્લેખ કરતા કેન્દ્રીય મંત્રીએ એ બાબત પર પ્રકાશ પાડ્યો હતો કે, “પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના સમર્થ નેતૃત્વ હેઠળ, ભારતમાં આફતને અવસરમાં પરિવર્તિત કરવા માટે સંખ્યાબંધ નવી પહેલોની શરૂઆત કરવામાં આવી છે જેમ કે, TB સાથે કોવિડનું ‘દ્વિ-દિશાકીય પરીક્ષણ’, ઘરે ઘરે જઇને TBના દર્દીઓ શોધવાની ઝુંબેશ, પેટા જિલ્લા સ્તરોએ ઝડપી મોલેક્યૂલર નિદાનની વ્યાપકતા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડિજિટલ ટૂલ્સનો ઉપયોગ, જન આંદોલન અને સૌથી મહત્વપૂર્ણ પહેલ તરીકે વ્યાપક પ્રાથમિક આરોગ્ય સંભાળના ભાગરૂપે આયુષ્માન ભારત આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો ખાતે TB સેવાઓનું વિકેન્દ્રીકરણ તેમાં સામેલ છે.”

તેમણે એવી પણ માહિતી આપી હતી કે, “TBથી પીડિત લોકોને અપનાવો”ની શરૂઆત આ વર્ષે કરવામાં આવશે જે સામૂહિકવાદના ભારતીય મૂલ્યો પર આધારિત છે, અને તેના માધ્યમથી કોર્પોરેટ્સ, ઉદ્યોગો, સંગઠનો, રાજકીય પક્ષો, વ્યક્તિગત લોકોને આગળ આવીને TBથી ચેપગ્રસ્ત લોકોને અને તેમના પરિવારને અપનાવવા માટે તેમજ તેમને પોષણ અને સામાજિક સહકાર આપવા માટે આહ્વાન કરવામાં આવશે. મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, “અમે માનનીય સાંસદો, રાજ્યોમાં વિધાનસભાના માનનીય ધારાસભ્યો, શહેરી સ્થાનિક એકમોના સભ્યો અને પંચાયતના પ્રતિનિધિઓ જેવા ચૂંટાયેલા પ્રતિનિધિઓને પણ સમગ્ર દેશમાં પાયાના સ્તરેથી TB અંગે જાગૃતિ ફેલાવવા માટે અને તેની હિમાયત કરવા માટે સક્રીયપણે સામેલ કરી રહ્યા છીએ.”

TB નિવારણની પ્રવૃત્તિઓ વધારે મજબૂત બનાવવા પર વિશેષ ભાર મૂકતા ડૉ. માંડવિયાએ જાહેરાત કરી હતી કે, “આ વર્ષના ઉત્તરાર્ધથી શરૂઆત કરીને, અમે નવા માન્યતા પ્રાપ્ત ‘મેડ ઇન ઇન્ડિયા’ TB ઇન્ફેક્શન પરીક્ષણ ‘c-TB’ની શરૂઆત કરીશું, અને કહ્યું હતું કે આ ઓછું ખર્ચાળ સાધન છે જે અન્ય ઊંચુ ભારણ ધરાવતા દેશોને પણ ખૂબ જ સારા પ્રમાણમાં લાભદાયી થશે.”

ડૉ. માંડવિયાએ નોંધ્યું હતું કે, 2022 એક મહત્વપૂર્ણ વર્ષ છે કારણ કે 2018માં UNHLM માં કરવામાં આવેલી કટિબદ્ધતાના સંદર્ભમાં સંખ્યાબંધ દેશો માટે આ લક્ષ્યનું વર્ષ છે. તેમણે આ બોર્ડ બેઠકમાં 2023માં આવી રહેલા TBના UNHLM માટે હિંમતપૂર્ણ અને મહત્વાકાંક્ષી કટિબદ્ધતાઓ અંગે ચર્ચા કરવા પર પણ વિશેષ ભાર મૂક્યો હતો.

ડૉ. માંડવિયાએ ઇન્ડોનેશિયાના આરોગ્ય મંત્રી શ્રી બુડી ગુનાડી સાદિકીનને G20ની ઇન્ડોનેશિયાની અધ્યક્ષતા હેઠળ TBને પ્રાથમિકતા આપવા માટે તેમણે શરૂ કરેલા અભિયાન બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે એવી પણ માહિતી આપી હતી કે, 2023માં G20ની અધ્યક્ષતા હેઠળ ભારત આરોગ્ય સંબંધિત બે સમસ્યાઓ TB અને સર્વાઇકલ કેન્સર (ગર્ભાશયના મુખના કેન્સર) પર ધ્યાન કેન્દ્રિત કરશે.

ડૉ. મનસુખ માંડવિયાએ TB નાબૂદ કરવા માટે ભારતની કટિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો અને દરેક વ્યક્તિને “TB નાબૂદી”નું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે દરેક સ્તરે સહકાર અને સહયોગ આપવા માટે અનુરોધ કર્યો હતો.