Site icon Revoi.in

ગુજરાત યુનિવર્સિટી સહિત ચાર સરકારી યુનિ.ની ભરતીઓ વિવાદને કારણે અટકી પડી

Social Share

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી સહિતની રાજ્યની ચાર સરકારી યુનિવર્સિટીઓમાં ટીચિંગ અને નોન ટીચિંગ સ્ટાફની ભરતીમાં  ભારે વિલંબ થઈ રહ્યો છે. ભાજપ સમર્પિત સેનેટ સભ્યો તેમ કેટલાક સિન્ડિકેટ સભ્યોના આંતરિક વિખવાદ અને લાગતાં-વળગતાંઓની ભરતી કરવાની હિલચાલના આક્ષેપો અને નિયમોના ભંગના મુદ્દે આ ભરતી અટકાવી દેવામાં આવી છે. આગામી દિવસોમાં આ પ્રક્રિયા કયારે શરૂ કરવામાં આવશે તે અંગે કોઇ સ્પષ્ટતા સુદ્ધાં કરવામાં આવી નથી.

સૂત્રોના જણાવ્યા મુજબ   ગુજરાત યુનિવર્સિટીમાં ટીચિંગ અને નોન ટીચિંગની ભરતી માટે જાહેરાત આપ્યા બાદ ભારે વિવાદ ઊભો થતાં હાલમાં ભરતી પ્રક્રિયા સ્થગિત કરી દેવામાં આવી છે. ભરતી પ્રક્રિયા સ્થગિત કરવા માટે કારણો અલગ અલગ આપવામાં આવી રહ્યા છે પરંતુ વાસ્તવિક્તા એ છે કે, આંતરિક વિખવાદોના કારણે કાર્યવાહી બંધ કરવી પડી છે. આ જ રીતે ડો.બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં જુદી જુદી જગ્યાઓ ભરવા માટે જાહેરાત આપીને લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું.  જોકે, લેખિત પરીક્ષા યોજવામાં આવે તે પહેલાં જ સરકારમાં રજૂઆત થતાં રાતોરાત લેખિત પરીક્ષા સ્થગિત કરવાની જાહેરાત કરી દેવામાં આવી હતી. સત્તાવાર રીતે યુનિવર્સિટી દ્વારા એવી સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, આગામી દિવસોમાં આ પરીક્ષા લેવાની કાર્યવાહી કરવામાં આવશે. સૂત્રો કહે છે લેખિત પરીક્ષાના માધ્યમથી લાગતાં-વળગતાંઓને ભૂતકાળની જેમ જુદી જુદી જગ્યાઓ પર ગોઠવી દેવાની હિલચાલ શરૂ થતાં ઉચ્ચ સ્તરે ફરિયાદ થઇ હતી. આમ, હાલ તો પ્રક્રિયા સ્થગિત કરી દેવામાં આવી છે. આ જ રીતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પણ થોડા સમય પહેલાં હાથ ધરાયેલી ભરતી પ્રક્રિયામાં લેખિત પરીક્ષા પહેલાં જ પ્રશ્નપત્ર વોટસએપ પર ફરતાં થઇ ગયા હતા. આ મુદ્દે ભારે વિવાદ ઊભો થતાં પ્રક્રિયા સ્થગિત કરી દેવામાં આવી હતી. આ સિવાય કચ્છ યુનિવર્સિટીમાં પણ ભરતી પ્રક્રિયા આંતરિક વિખવાદના કારણે મોકૂફ રાખવામાં આવી છે. આમ, એક સાથે ચાર સરકારી યુનિવર્સિટીઓમાં ટીચિંગ અને નોન ટીચિંગ સ્ટાફની ભરતી પ્રક્રિયા શરૂ કર્યા બાદ અટકાવી દેવામાં આવી છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, રાજ્યની  કેટલીક યુનિવર્સિટીઓમાં સેનેટ અને સિન્ડિકેટ સભ્યો દ્વારા ચોક્કસ ઉમેદવારની પસંદગી માટે દબાણો કરવામાં આવી રહ્યા છે, તો કેટલીક યુનિવર્સિટીઓની જગ્યાઓમાં હોદ્દેદારો જ નિયમોનો લાભ લઇને લાગતાં-વળગતાંઓને ગોઠવવાની કોશિશ કરતાં સરવાળે ભરતી પ્રક્રિયા સ્થગિત કરવી પડી છે.