Site icon Revoi.in

ગાંધીનગરમાં જુના સચિવાલયનું રિડેવલપમેન્ટ, 400 કરોડના ખર્ચે અદ્યત્તન બિલ્ડિંગ બનાવાશે

Social Share

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરના જૂના સચિવાલયનું 4 અબજનાં ખર્ચે રિડેવલોપમેન્ટ કરવામાં કરવામાં આવશે. જે અન્વયે હાલના 19 બ્લોકને આઠ બ્લોકમાં સમાવી લેવાશે. આ માટેનો માસ્ટર પ્લાન પણ તૈયાર કરી દેવામાં આવ્યો છે. જેનાં પગલે હવે 46 વર્ષ જૂના સચિવાલયના જૂનવાણી સ્ટાઈલના બ્લોક તોડી પાડવામાં આવશે. જેમાં હાલ જે 19 બ્લોક છે, તે તોડીને નવા આઠ બ્લોક બહુમાળી બનાવાશે. અને નવા બિલ્ડિંગને કોર્પોરેટ લૂક આપવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીનગરમાં 46 વર્ષ જૂના સચિવાલયનાં બ્લોક હવે આગામી દિવસોમાં ઈતિહાસ બની જવાના છે. જૂના સચિવાલયની આયુષ્ય મર્યાદા પૂર્ણ થવાની હોવાથી ચાર અબજના ખર્ચે રીડેવલોપમેન્ટ કરવાનો તખ્તો ઘડી કાઢવામાં આવ્યો છે અને હાલના 19 બ્લોકને 8 બ્લોકમાં સમાવી લેવામાં આવશે. આ પૈકીના બે બ્લોકનું બાંધકામ 100 કરોડના ખર્ચે નજીકના સમયમાં જ શરૂ કરવા માટે માર્ગ મકાન વિભાગ દ્વારા તૈયારી કરવામાં આવી રહી છે. આખા કેમ્પસનો નવો લે આઉટ પ્લાન તૈયાર કરાયો છે. નવા જમાનાને અનુરૂપ અને હાલની જરૃરિયાતોને અનુરૂપ બને તેવી સુવિધાઓ આપવા માટે નિષ્ણાતોની મદદ લેવામાં આવી રહી છે. દરેક બ્લોકના બાંધકામ પાછળ રૂપિયા 50 કરોડ ઉપરાંતનો ખર્ચ થવાનો હોવાથી હાલનાં તબક્કે માર્ગ અને મકાન વિભાગ દ્વારા સમગ્ર યોજના પાછળ રૂપિયા 400 કરોડના ખર્ચનો અંદાજ મુકવામાં આવ્યો છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યુંહતું કે પાટનગર ગાંધીનગરમાં જૂના સચિવાલયના હાલમાં ત્રણ માળનાં બ્લોક છે. જે 46 વર્ષ જૂના થઈ ચૂક્યા છે. ગાંધીનગર શહેરની સ્થાપના 2 ઓગસ્ટ 1965ના રોજ થઇ હતી. ઇ.સ. 1971થી ગાંધીનગર ગુજરાતની રાજધાની બન્યું. તે સમયે મુખ્યમંત્રી હિતેન્દ્રભાઇ દેસાઈ હતા. શહેરની રચનાનું આયોજન મુખ્ય સ્થપતિ (ચીફ આર્કિટેક્ટ) એચ. કે. મેવાડા અને તેમના સહયોગી પ્રકાશ એમ. આપ્ટેએ કર્યું હતું. વર્ષ 1971માં પાટનગર ગાંધીનગરની જાહેરાત કરવામાં આવી હતી અને 1976માં નિર્માણ કરવામાં આવેલા જૂના સચિવાલય એટલે કે ડો. જીવરાજ મહેતા ભવનથી ગુજરાતનો વહીવટ કરવામાં આવતો હતો. તે પહેલાંનું સચિવાલય અમદાવાદમાં હાલના પોલિટેકનીક બિલ્ડીંગમાં કાર્યરત હતું. જ્યારે હાલમાં 1985માં બાંધવામાં આવેલા નવા સચિવાલય એટલે કે સરદાર ભવનથી રાજ્યનો વહીવટ કરવામાં આવી રહ્યો છે. હવે જૂના સચિવાલયના 46 વર્ષ જૂના ત્રણ માળના સ્થાને નવ માળના બ્લોક ઉભા કરવામાં આવશે. જેના કારણે દરેક નવા બ્લોકમાં જૂના ત્રણ બ્લોક જેટલી કચેરીનો સમાવેશ કરવાથી વિશાળ જગ્યા ઉપલબ્ધ થશે. જ્યાં રેઈન વોટર હાર્વેસ્ટીંગ સિસ્ટમ, સોલાર સિસ્ટમ, આધુનિક પાર્કિંગ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં સરળતા રહેશે.