Site icon Revoi.in

BRTS મુસાફરો માટે સારા સમાચાર, તંત્ર આ નિર્ણય લઇ શકે છે

Social Share

અમદાવાદ: શહેરમાં નવા વર્ષના પ્રથમ દિવસથી રાત્રી કર્ફ્યૂના સમયમાં એક કલાકની છૂટ આપવામાં આવી છે. અગાઉ રાતના 9 થી સવારના 6 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યૂ અમલમાં હતો, જે હવે રાતના 10 વાગ્યાથી અમલમાં મૂકાશે. આમ રાત્રી કર્ફ્યૂના સમયમાં ઘટાડો થવાથી બીઆરટીએસ બસ સર્વિસને રાતના 8 વાગ્યા સુધી દોડાવવાની તંત્રે વિચારણા હાથ ધરી છે.

દિવાળી બાદ શહેરમાં કોરોનાનો સેકન્ડ વેવ ફરી વળ્યો હતો, રોજના 300થી વધુ દર્દી નોંધાતા અને 2 આંકડામાં મૃતકાંક થતાં તંત્ર પણ હેબતાઇ ગયું હતું અને હરકતમાં આવ્યું હતું. રાજ્ય સરકારે આગમચેતીના પગલા તરીકે રાજ્યના 4 મોટા શહેરોમાં રાત્રી કર્ફ્યૂ અમલી કર્યું હતું. રાજ્ય સરકારે રાતના 9 થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ અમલમાં કર્યું હતું.

શહેરીજનોએ સતત 39 દિવસ સુધી રાત્રી કર્ફ્યૂ અનુભવ્યું હતું. જો કે હજુ પણ અમદાવાદમાં આગામી તા.14 જાન્યુઆરી સુધી રાત્રી કર્ફ્યૂ તો છે જ, પરંતુ કોરોનાના કેસ ઘટ્યા હોવાના મ્યુનિ.તંત્રના આંકડાના આધારે તથા હોટલ-રેસ્ટોરાં સહિતનાં અન્ય એસોસિએશનની રજૂઆતના આધારે રાત્રી કર્ફ્યૂમાં એક કલાકની છૂટ અપાઇ છે. હવે રાતના 10 વાગ્યાથી રાત્રી કર્ફ્યૂ લાગશે.

રાત્રી કર્ફ્યૂમાં એક કલાકની છૂટ મળવાથી ગઇ કાલ એટલે કે તા. 31 ડિસેમ્બર સુધી સાંજના 7 વાગ્યા સુધી ચાલતી બીઆરટીએસ બસને રાતના 8 વાગ્યા સુધી દોડાવવાની તંત્રે વિચારણા હાથ ધરી છે. એટલે કે બીઆરટીએસ સુવિધાનો વધુ એક કલાકનો લાભ મુસાફરોને મળે તેવી શક્યતા છે.

નોંધનીય છે કે, એએમટીએસ બસ પેસેન્જરને રાતના 8.30થી ૮.45 સુધી મળશે. જોકે રાત્રી કરફ્યુથી એએમટીએસ બસને પેસેન્જર અને આવકમાં જબ્બર ફટકો પડ્યો છે. રાત્રી કરફ્યુની પહેલાં એએમટીએસને દરરોજની 12 લાખ રૂપિયાની આવક થતી હતી અને 1.80 લાખ પેસેન્જર થયા હતા. જોકે રાત્રી કરફ્યુ અમલમાં આવવાથી છેલ્લા 39 દિવસથી એએમટીએસને આવકમાં દરરોજ રૂ. એક લાખનો ફટકો પડ્યો છે. દરરોજના 20 હજાર પેસેન્જર ઘટીને 1.50 લાખ પેસેન્જર થયા છે. બસની સંખ્યા રાત્રી કરફ્યુ પહેલાં રોજની 700 બસની હતી, જે હવે રોજ 650 બસ રોડ પર મુકાઈ છે. એટલે 50 બસ ધટી છે. જોકે પેસેન્જરને દરરોજના 150 રૂટનો લાભ રાબેતા મુજબ મળી રહ્યો છે.

(સંકેત)