Site icon Revoi.in

અમદાવાદ: બાપુનગરના શ્યામ શિખર કોમ્પલેક્સમાં લાગી આગ, 15થી વધુ દુકાનો બળીને ખાખ

Social Share

અમદાવાદ: અમદાવાદમાં આગ લાગવાની ઘટનાનો સિલસિલો હજુ પણ યથાવત્ જોવા મળી રહ્યો છે. આજે વહેલી સવારે અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આવેલ શ્યામ શિખર બિલ્ડીંગમાં આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે, આગની લપેટમાં 15 જેટલી દુકાનો આવી ગઇ હતી. ફાયર વિભાગની 6થી વધુ ગાડીઓએ ઘટનાસ્થળે પહોંચીને આગને કાબૂમાં લઇને બૂઝાવી હતી.

બાપુનગરના ટોલનાકા ચાર રસ્તા પાસે શ્યામ શેખર કોમ્પ્લેક્સ આવેલું છે. આ કોમ્પલેક્સમાં મોબાઇલ વેચવાથી લઇને રિપેરીંગની અનેક દુકાનો આવેલી હોવાથી તે મોબાઇલ હબ તરીકે ઓળખાય છે. ત્યારે કોમ્પલેક્સમાં વહેલી સવારે અચાનક આગ ફાટી નીકળી હતી. જેમાં કેટલીક મોબાઇલની દુકાનો સાથે ATM સેન્ટર પણ આગની લપેટમાં આવી ગયું હતું.

જો કે, આગ લાગવાના કારણ અંગે હજુ માલૂમ પડ્યું નથી. પરંતુ ફાયર બ્રિગેડની ટીમે સફળતાપૂર્વક આગ પર કાબૂ મેળવ્યો હતો. બાપુનગરનો આ વિસ્તાર રહેણાંક વિસ્તાર હોવાથી આસપાસના રહીશોનો જીવ પણ તાળવે ચોંટ્યો હતો.

જોકે, આ આગના લપેટમાં કોમ્પ્લેક્સના કેમ્પસમાં મૂકાયેલા કેટલાક વાહનો પણ આવ્યા હતા. શ્યામ શિખર ટાવરના પ્રાંગણમાં પાર્ક કરાયેલા વાહનો પણ ભીષણ આગમાં બળીને ખાખ થયા હતા. આગ બાદ વાહનોનો કાટમાળ જોવા મળ્યો હતો.

(સંકેત)