- કોરોનાને લીધે સ્કૂલો બંધ હોવાથી ઓગસ્ટથી મધ્યાહન ભોજનનું અનાજ વિતરણ બંધ હતું
- જો કે હવે કોર્પોરેશન દ્વારા આજથી ફરી અનાજ વિતરણ શરૂ કરવામાં આવ્યું
- 31મી ડિસેમ્બર સુધી વાલીને સસ્તા અનાજની દુકાન પરથી અનાજનું વિતરણ થશે
ગાંધીનગર; કોરોનાને લીધે સ્કૂલો બંધ હોવાથી બાળકોના વાલીને નિયમ અનુસાર મધ્યાહન ભોજનનું અનાજ વિતરણ કરવામાં આવે છે જે ઓગસ્ટથી આપવામાં આવ્યું ન હતું. હવે કોર્પોરેશન દ્વારા આજથી વિતરણ શરૂ કરી દેવામાં આવ્યું છે અને 31મી ડિસેમ્બર સુધી વાલીને સસ્તા અનાજની દુકાન પરથી અનાજનું વિતરણ થશે.
હાલમાં કોરોના મહામારીને કારણે સ્કૂલો બંધ હોવાથી બાળકોને પ્રત્યક્ષ રીતે સ્કૂલમાં મધ્યાહન ભોજન અપાતું નથી પરંતુ નિયમ અનુસાર બાળકોને ફૂડ સિક્યોરિટી એલાઉન્સ અને મળવાપાત્ર ભોજન આપવામાં આવે છે. ઓગસ્ટથી મધ્યાહન ભોજન અપાયું નથી. કોર્પોરેશન દ્વારા આજે પરિપત્ર કરી વિતરણ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
પરિપત્ર અનુસાર શહેરની 187 સસ્તા અનાજની દુકાનો પરથી વાલીને 31મી ડિસેમ્બર સુધી અનાજ વિતરણ થશે. સ્કૂલના શિક્ષકની હાજરીમાં અને મોનિટરિંગ હેઠળ નોંધણી કરીને વાલીને નિયમાનુસાર અનાજ વિતરણ થશે. 1-8થી 31-8 સુધીના 21 દિવસ અને 1-9 થી 28-10 સુધીના 49 દિવસ સહિત 70 દિવસનું અનાજ વિતરણ થશે.
મહત્વનું છે કે, ધો.1થી 5ના 76 હજારથી વદુ અને ધો.6 થી 8ના 45 હજાર જેટલા બાળકો સહિત 1.21 લાખથી વધુ બાળકોના વાલીને 10,06,926 કિલોગ્રામ અનાજ વિતરણ થશે. એક દિવસના લેખે ધો.1થી 5માં 100 ગ્રામ ઘઉં ચોખા અને ધો.6થી 8માં 150 ગ્રામ ઘઉં-ચોખા અપાશે. અનાજ વિતરણ ઉપરાંત સપ્ટેમ્બરથી ઓક્ટોબર સુધીના બાકી ફુડ સિક્યુરિટી એલાઉન્સના નાણાં પણ વાલીના બેંક એકાઉન્ટમાં જમા કરવામા આવશે.
(સંકેત)