Site icon Revoi.in

આરએસએસના ગુજરાત પ્રાંતના પૂર્વ સંઘચાલક અમૃતભાઈ કડીવાળાનું નિધન, રિવોઇ પરિવારે શ્રદ્વાંજલિ પાઠવી

Social Share

અમદાવાદઃ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ ગુજરાત પ્રાતના પૂર્વ સંઘચાલક અને વરિષ્ઠ સ્વયંસેવક તરીકે સેવા આપીને લોકચાહના મેળવનારા અમૃતભાઈ કડીવાળાનું આજે  નિઘન થતા તેમના ચાહકોમાં શોકનું મોજું ફરી વળ્યુ હતું. જાણીતા ન્યૂઝ પોર્ટલ રિવોઈ (રિયલ વોઈસ ઓફ ઈન્ડિયા) પરિવારે પણ અમૃતભાઇ કડીવાળાના નિધન પર દુઃખ વ્યક્ત કરીને શ્રદ્ધાંજલી પાઠવી હતી.

ડોક્ટર હેડગેવાર સ્મારક સમિતિ- ગુજરાતના ટ્રસ્ટી તરીકે અમૃતભાઈ કડીવાળાએ સરાહનીય સેવા આપી હતી. તેમણે કટોકટી દરમિયાન જેલવાસ પણ ભોગવ્યો હતો. અને જુના જનસંઘના પાયાના કાર્યકર્તા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સહિતના રાજકીય આગેવાનોએ પણ અમૃતભાઈ કડીવાળાના નિધનને લઈને શોક વ્યક્ત કર્યો હતો.

પીએમ મોદીએ તેમના નિધન પર પર શોક વ્યક્ત કરતા લખ્યું હતું કે, “આર.એસ.એસ. ગુજરાત પ્રાંતના અગ્રણી શ્રી અમૃતભાઇ કડીવાળાના અવસાનથી દુ:ખ અનુભવું છું. તેઓનું સામાજીક પ્રદાન હરહંમેશ યાદ રહેશે. સદ્વતના આત્માની શાંતિ માટે અંતરમનથી પ્રાર્થના…ૐ શાંતિ:”

પીએમ મોદી ઉપરાંત કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પણ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો અને લખ્યું હતું કે, “રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, ગુજરાત પ્રાંતના પૂર્વ સંઘચાલકજી શ્રી ડૉ.અમૃતભાઈ કડીવાળાના દુઃખદ અવસાનનાં સમાચાર પ્રાપ્ત થયા. ભગવાન તેમના દિવ્ય આત્માને મોક્ષ અર્પે તેમજ પરિવારને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે એ જ પ્રાર્થના. ૐ શાંતિ”

સ્વ,અમૃતભાઈ કડીવાળા વર્ષો સુધી ગુજરાત પ્રાંતના સંઘચાલક તરીકે સેવા આપી હતી. અને સેવા ભારતીના ટ્રસ્ટી તરીકે પણ સેવા આપી હતી. તેઓ શિસ્તના આગ્રહી હતા. તેમના નિઘનથી સંઘે એક વરિષ્ઠ અગ્રણી ગુમાવ્યા છે. સરળતા,સંપર્ક, સમન્વયની ભાવના અને સાદગીભર્યું જીવનથી પ્રેરણાબળ પુરૂ પાડ્યુ છે. ભાજપ અને સંઘના અનેક અગ્રણીઓએ સ્વર્ગસ્થને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પી હતી. સ્વ. અમૃતભાઈ કડીવાળા કોરોનાનો ભોગ બન્યા હતા અને છેલ્લા એક મહિનાથી તેમની સારવાર ચાલી રહી હતી. તેમના નિઘનથી સંઘના કાર્યકર્તાઓમાં શોકનું મોજુ ફરી વળ્યુ હતું.

સ્વ. અમૃતભાઇ કડીવાલા વિશે

ગુજરાત પ્રાંતના કાર્યવાહ અને બહુ લાંબા સમય સુધી ગુજરાત પ્રાંતના માનનીય સંઘચાલક તરીકે નું દાયિત્વ વહન કરનારા રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ ગુજરાત પ્રાતના પૂર્વ સંઘચાલક અમૃતભાઇ કડીવાળાએ B.E. (Civil), M.E. (Civil), Ph. D સુધીનું શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું.

સરળતા,સંપર્ક, સમન્વયની ભાવના અને સાદગીભર્યું જીવન જીવનારા અમૃતભાઇ કડીવાળા વર્તમાન પૂજ્ય સર સંઘચાલક મોહન ભાગવતના પિતાજી સ્વ.મધુકરરાવ ભાગવતના સમયથી સ્વયંસેવક તરીકે સક્રિય હતા. વર્ષ 1956માં સંઘની પ્રશિક્ષણ પદ્વતિ પ્રમાણે એમણે તૃતીય વર્ષ કર્યું. કર્ણાવતી મહાનગરના કાર્યવાહ, ત્યારબાદ ગુજરાત પ્રાંતના શારીરિક પ્રમુખ, ગુજરાત પ્રાંતના કાર્યવાહ અને બહુ લાંબા સમય સુધી ગુજરાત પ્રાંતના માનનીય સંઘચાલક તરીકે નું દાયિત્વ વહન કર્યું.

અમૃતભાઇની વિશેષતા એ હતી તેમનું સાદગીભર્યું જીવન અને સરળ સ્વભાવ. તે ઉપરાંત તેમના બહોળા સંપર્કો, સંઘના સ્વયંસેવકો, સમાજના વરિષ્ઠ નાગરિકો, સંઘ વર્તુળ સિવાયના આગેવાનો સાથે પણ એમનો સહજ સંપર્ક બહુ સ્વાભાવિક રહેતો. તેમની વિદાયથી એમનો એ પ્રત્યક્ષ સ્નેહની હવે અનુભૂતિ નહીં થાય. તેમનો સૌમ્ય સ્વભાવ, પિતાતુલ્ય સ્નેહ તેમજ સંઘની દરેક બાબતોમાં તેમનું માર્ગદર્શન હરહંમેશ તેમનું સ્મરણ કરાવતું રહેશે.