Site icon Revoi.in

ગીર સોમનાથ: ફિશ એક્સપોર્ટ મુશ્કેલીમાં, ચીનમાં 1000 કરોડના કન્ટેનર અટવાયા

Social Share

ગીર સોમનાથ: વેરાવળ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને દીવના માછીમારો અને ફિશ નિકાસકારો હાલ મુશ્કેલીમાં મૂકાયા છે. કોરોનાને લઇને ચીનમાં અંદાજે 1 હજાર જેટલા માછલીનાં કન્ટેનરો ફસાયા છે. તો ચીનના શાંઘાઇ સહિત 3 બંદરો કોરોનાને કારણે અચાનક બંધ થઇ જતા 1200 જેટલા કન્ટેનરો જે ચીન જઇ રહ્યા હતા તે અટવાયા છે. આ કન્ટેનરો હવે અન્ય જગ્યાએ ખાલી કરવાની ફરજ પડી શકે છે.

ફિશ એક્સપોર્ટરના પ્રમુખ પિયુષ ફોંફડી અનુસાર વર્તમાન સમયમાં 1 હજાર કરોડ રૂપિયાની માછલી હાલ અટવાઇ છે. પહેલા આ કન્ટેનરોનું 25 દિવસમાં પેમેન્ટ થઇ જતું હતું. પરંતુ હવે તે 60 થી 90 દિવસ લાગશે, જેને લઇ જે આર્થિક સાયકલ ફરી રહી હતી તે અટકી પડી છે. નિકાસકારોના 1 હજાર કરોડ રૂપિયા ક્યારે આવશે તે મોટો સવાલ છે. તેની સીધી અસર માછીમારો પર પડી છે કારણ કે માછીમારોને 700 કરોડ રૂપિયાની ચૂકવણી કરવાની બાકી છે.

એક તરફ ફિશ એક્સપોર્ટરોના 2500 જેટલા કન્ટેનર અટવાયા છે તો બીજી તરફ માછીમારોની હાલત પણ કફોડી બની છે. એક તો માછલીનાં રૂપિયા ફસાયા છે તો બીજી તરફ માછલીનાં ભાવમાં સતત ઘટાડો થઇ રહ્યો છે.માછલીનાં ભાવમાં 40 ટકા જેટલો ઘટાડો થતા માછીમારોની મુશ્કેલી વધી રહી છે. માછીમાર એસોસિએશન હવે સરકાર પાસે સહાય માટે આધાર રાખી રહ્યું છે.

વેરાવળ બંદર પર લગભગ 5 હજાર જેટલી બોટો માછીમારી કરી રહી છે. જે પૈકીની 250 જેટલી બોટ હાલ બંધ પડી છે. કારણ કે, બોટ માલિકો પાસે બોટ ચલાવવા ઈંધણ કે બોટ ચાલકને ચુકવણું કરવાની રકમ નથી. માછલીનાં ભાવ નથી કે તે હવે સરળતાથી એક્સપોર્ટ થતી નથી. કોરોના બાદ જે બોટ ચાલકો અને મજૂરો હતા તે પોતાના વતન ચાલ્યા જતા, તેમને પરત લાવવા મુશ્કેલ બન્યા છે. આશરે 25000 જેટલા બોટ માલિકો, અને 3 લાખથી વધુ માછીમારી સાથે જોડાયેલા લોકો પ્રભાવિત થયા છે.

નોંધનીય છે કે ગુજરાતમાંથી દર વર્ષે 3500 કરોડથી વધારેની માછલી એક્સપોર્ટ થતી હોય છે. જો કે ધીમે ધીમે નિકાસ ઘટી રહી છે ત્યારે સરકાર દ્વારા આ અંગે ગંભીર નોંધ લેવામાં આવે અને નિકાસને પ્રોત્સાહિત કરવા અને વધારવા માટે પગલાં લેવામાં આવે તે આવશ્યક છે.

(સંકેત)