Site icon Revoi.in

વર્ષ 2019ના ગુજરાતી ફિલ્મોના પુરસ્કારની જાહેરાત: શ્રેષ્ઠ ફિલ્મ ‘હેલ્લારો’ને તો શ્રેષ્ઠ અભિનેતા તરીકે સિદ્વાર્થ રાંદેરિયાને પુરસ્કાર એનાયત કરાયો

Social Share

અમદાવાદ: ગુજરાતી ફિલ્મોને પ્રોત્સાહિત કરવા તેમજ દર્શકોમાં ગુજરાતી ફિલ્મોનું મહત્વ વધે તે હેતુસર રાજ્ય સરકારે ગુણવત્તા સમન્વિત પ્રોત્સાહન નીતિ-2018 અમલમાં મૂકી છે ત્યારે રાજ્ય સરકારે વર્ષ 2019ના ગુજરાતી ફિલ્મોના એવોર્ડ્સની જાહેરાત કરી છે. જેમાં શ્રેષ્ઠ ફિલ્મ તરીકે “હેલ્લારો” તેમજ હેલ્લારોના દિગ્દર્શક અભિષેક શાહને શ્રેષ્ઠ દિગ્દર્શક જાહેર કરવામાં આવ્યા છે તો બીજી તરફ ‘ચાલ જીવી લઇએ’ ફિલ્મના સિદ્વાર્થ રાંદેરિયાને શ્રેષ્ઠ અભિનેતા અને આરોહી પટેલને શ્રેષ્ઠ અભિનેત્રી જાહેર કરવામાં આવ્યાં છે. આ પ્રસંગે સીએણ રૂપાણીએ ગુજરાતી ચલચિત્રોના વિજેતા જાહેર થયેલા કલાકારો-કસબીઓને અભિનંદન પાઠવ્યા છે.

રાજ્ય સરકાર દ્વારા કુલ 38 એવોર્ડની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં દરેક એવોર્ડમાં રોકડ ઇનામની જાહેરાત કરવામાં આવી હતી.

‘હેલ્લારો’ ફિલ્મને શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ

બેસ્ટ ફિલ્મનો એવોર્ડ ‘હેલ્લારો’ને મળ્યો હતો. જેમાં અભિષેક શાહ, ડિરેક્ટર સિનેમેટોગ્રાફર, એડિટર, ડાયલોગ્સ, લિરિક્સ, કોરિયોગ્રાફર્સ, પ્લેબેક સિંગર્સ, સાઉન્ડ ડિઝાઇનર, સ્પેશિયલ જ્યૂરી એવોર્ડ કલાકારોને મળ્યા હતા. આ ફિલ્મ મહિલા સશક્તિકરણના વિષય પર આધારિત હતી.

વાંચો સંપૂર્ણ પુરસ્કારોની યાદી

સિદ્વાર્થ રાંદેરિયાને બેસ્ટ એક્ટરનો એવોર્ડ

સિદ્વાર્થ રાંદેરિયાને ‘ચાલ જીવી લઇએ’ ફિલ્મ માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો હતો. જ્યારે આ જ ફિલ્મની આરોહી પટેલને શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ એનાયત કરાયો હતો. જ્યારે બેસ્ટ પ્લેબેક સિંગર ફીમેલ તરીકે ઐશ્વર્યા મજમુદારને મળ્યો હતો.

નોંધનીય છે કે, વર્ષ 2018 દરમિયાન સિનેમાગૃહમાં પ્રદર્શિત થયેલી ફિલ્મોમાંથી એવોર્ડની પસંદગી કરવા માહિતી નિયામકની કચેરી દ્વારા એન્ટ્રી મગાવવામાં આવી હતી. એવોર્ડ પસંદગી માટે રચાયેલી ફિલ્મ પરીક્ષણ સમિતિ દ્વારા કરાયેલા પરીક્ષણ પછી રાજ્ય સરકાર દ્વારા એવોર્ડ્સ અને રોકડ પુરસ્કારની જાહેરાત કરાઇ હતી.

(સંકેત)