Site icon Revoi.in

જગવિખ્યાત સોમનાથ મંદિર નજીકના સ્કંદ પુરાણના ઇતિહાસને જીવંત કરાશે

Social Share

ગાંધીનગર: સોમનાથ ટ્રસ્ટના નવા ચેરમેન પીએમ મોદી બન્યા છે. સોમનાથમાં આવેલા પ્રભાસ તીર્થના જેટલા સ્થળો સ્કંદ પુરાણમાં દર્શાવવામાં આવ્યા છે તે તમામની શોધખોળનો પ્રયાસ કરવામાં આવશે. પીએમ મોદીએ આ માટે સહમતિ દર્શાવી છે. આ કામ માટે કોઇ પુરાતત્વ વિભાગ અથવા કોઇ યુનિવર્સિટીની મદદ લેવામાં આવશે. મંગળવારે બેઠકમાં સોમનાથમાં પુરાતત્વ વિભાગ દ્વારા શોધખોળ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં નરેન્દ્ર મોદીએ સ્કંદપુરાણમાં જેટલો ઉલ્લેખ છે તે તમામ સ્થળે શોધખોળ હાથ ધરવાની સહમતિ દર્શાવી હતી.

સૂત્રોનુસાર આ કામગીરી માટે કોઇ યુનિવર્સિટી અથવા સોમનાથ ટ્રસ્ટ પોતે પણ કોઇને આ કામગીરી સોંપી શકે તેમ છે. પુરાતત્વ વિભાગના નિવૃત્ત અધિકારી રાવતનાં માર્ગદર્શન હેઠળ આ કામગીરી હાથ ધરવાનો નિર્ણય લેવાયો છે.

આપને જણાવી દઇએ કે તાજેતરમાં જગપ્રસિદ્વ સોમનાથ મંદિરના ટ્રસ્ટના નવા ચેરમેનની વરણી માટે ટ્રસ્ટીઓ વચ્ચે વર્ચ્યૂઅલ બેઠક મળી હતી. જેમાં પીએમ મોદીને સર્વાનુમતે ટ્રસ્ટના નવા અધ્યક્ષ તરીકે જાહેરાત કરવામાં આવી હતી. મોદીને એક વર્ષના કાર્યકાળ માટે અધ્યક્ષ બનાવાયા હતા. નરેન્દ્ર મોદી દેશના બીજા પીએમ છે જેમણે સોમનાથ ટ્રસ્ટનાં ચેરમેનની જવાબદારી સંભાળી હોય.

અત્રે ઉલ્લેખનીય છે કે, ત્રણ મહિના પૂર્વે સોમનાથ મંદિર ટ્રસ્ટના ચેરમેન એવા પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલનું અવસાન થયા બાદ ચેરમેન પદ ખાલી પડ્યું હતું. જેથી ટ્રસ્ટના નવા ચેરમેનની નિમણૂંક કરવા માટે ટ્રસ્ટીઓની વર્ચ્યુઅલ બેઠક મળી હતી. બેઠકમાં નવા ચેરમેનની વરણીના એજન્ડા સાથે સોમનાથમાં ચાલતા વિકાસ કાર્યોની ચર્ચાઓના એજન્ડાની બેઠક અંગે પણ નક્કી થયું હતું.

(સંકેત)