Site icon Revoi.in

ગુજરાતમાં પણ ઠંડીનું પ્રમાણ વધ્યું, માઉન્ટ આબુમાં ઠંડીનો ચમકારો, તાપમાન -2 ડિગ્રી પર પહોંચ્યું

Social Share

માઉન્ટ આબુ: માઉન્ટ આબુમાં ફરી એકવાર ઠંડીનો ચમકારો વર્તાઇ રહ્યો છે. અહીં તાપમાન -1થી 2 ડિગ્રી સુધીનું તાપમાન નોંધાયું છે. ઠંડીનો ચમકારો વધતા પ્રવાસીઓને એક અલગ અનુભવ થયો છે. જ્યારે વાહનો પર ઠંડીના કારણે બરફ જામી ગયો હોવાનું પણ સામે આવી રહ્યું છે. ઠંડીથી બચવા માટે અહીંયા તાપણા અને હિટરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

માઉન્ટ આબુમાં ઠંડીનો ચમકારો વધતા પોલો ગ્રાઉન્ડમાં ઉભેલી કાર પર બરફ જામેલો જોવા મળ્યો છે. આ સાથે ઘરની બહાર મૂકેલા પાણીમાં પણ બરફ જામેલો જોવા મળ્યો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. ડિસેમ્બરથી ફેબ્રુઆરીની વચ્ચે અહીં મુસાફરો મોટી સંખ્યામાં ફરવા માટે પહોંચતા હોય છે.

આપને જણાવી દઇએ કે અહીંયા સામાન્ય દિવસો કરતાં વિકએન્ડમાં વધારે ભીડ જોવા મળતી હોય છે. પરંતુ કોરોનાના કારણે અહીંયા આવતા પ્રવાસીઓની સંખ્યામાં ચોક્કસપણે ઘટાડો નોંધાયો હોવાનું મનાઇ રહ્યું છે. જો કે, લોકડાઉન ખુલ્યા બાદ ઘરોમાં બંધ રહેલા લોકો હવા ફેર માટે અહીંયા પહોંચી રહ્યા છે. ઉત્તર ભારતના રાજ્યો અને રાજસ્થાનમાં ઠંડીનો ચમકારો અનુભવાઇ રહ્યો છે તેની સાથે ગુજરાતમાં પણ ઠંડી અનુભવાઇ રહી છે.

ગઈકાલ રાતથી ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે જેમાં ઠંડીની સાથે પવન ફુંકાઈ રહ્યો હોવાથી વધારે અસર વર્તાઈ રહ્યાઈ છે.

નલિયામાં આજે 4.1, કંડલામાં 7.6, કેશોદમાં 8.8, ડિસામાં 9, મહુવામાં 9.1 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. આગામી 27 તારીખ સુધી ગુજરાતમાં ઠંડીનો ચમકારો રહેવાની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે.

(સંકેત)