Site icon Revoi.in

આચાર્યોએ માંગ પૂરી ના થતા સોશિયલ મીડિયા પર છેડ્યું #HTAT અભિયાન

Social Share

અમદાવાદ: રાજ્યમાં ઇન્ટર્ન ડોક્ટર્સની હડતાળ વચ્ચે છેલ્લા ત્રણ દિવસથી રાજ્યના 10 હજારથી વધુ HTAT આચાર્ય આંદોલન પર છે. 4200 ગ્રેડ પેની જગ્યાએ 4400 ગ્રેડપેની માંગ સાથે આચાર્યોને બે દિવસથી વિરોધ કરતા અટકાવવામાં આવી રહ્યા છે. પહેલા અને બીજા દિવસે વિરોધ માટે આવેલા HTAT આચાર્યોની અટકાયત કરાતા ત્રીજા દિવસે આચાર્યોએ આંદોલનની રણનીતિ બદલી છે. પ્રતિક ઉપવાસની પરવાનગી ના માળતા આચાર્યોએ હવે સોશિયલ મીડિયા મારફતે આંદોલન છેડ્યું છે. આચાર્યોએ સ્કૂલમાં કાળી પટ્ટી ધારણ કરીને કામ શરૂ કર્યું છે.

હાલમાં રાજ્યભરના HTAT આચાર્યો પડતર પ્રશ્નોને લઇને આંદોલન પર છે. અનેક વખત સરકાર સમક્ષ રજૂઆત બાદ પણ નિરાકરણ ના આવતા આંદોલન શરૂ કર્યું છે. પડતર પશ્નોમાં 4200ની જગ્યાએ 4400 ગ્રેડ પે લાગુ કરવાની માંગ તેમજ 2012માં HTAT કેડર લાગુ કરાઇ પરંતુ હજુ સુધી નિયમ બન્યા નથી. નિયમોના અભાવે HTAT આચાર્ય કરતાં શિક્ષકોના પગાર વધારે હોવાનું આચાર્યો જણાવે છે.

તે ઉપરાંત તાત્કાલિક બઢતી અને ઉચ્ચતર પગાર ધોરણના નિયમો બનાવવા માંગ કરાઇ છે, ઓવર સેટઅપનો પરિપત્ર રદ કરવા પણ માંગ છે. તેવી જ રીતે  ધોરણ 1થી 8માં 250 વિદ્યાર્થીઓએ એક HTAT આચાર્યને બદલે 150 વિદ્યાર્થીઓએ એક HTAT આચાર્ય આપવા માંગ છે.

આ માંગને લઇને બે દિવસથી આચાર્યો વિરોધ માટે ગાંધી આશ્રમ ભેગા થાય છે પરંતુ વિરોધ કરે તે પહેલાં અટકાયત કરી હતી જેને લઇને આચાર્યો દ્વારા પ્રતિક ઉપવાસની મંજૂરી માંગવામાં આવી હતી જો કે તે મંજૂરી પણ ના મળતા આચાર્યો દ્વારા સોશિયલ મીડિયામાં #Htat અમારો અધિકાર હેશટેગથી આંદોલન શરૂ કરવામાં આવ્યું છે.

(સંકેત)