Site icon Revoi.in

રાજકોટમાં પતંગ ચગાવતા પહેલા આ વાંચી લેજો, પોલીસે બહાર પાડ્યું જાહેરનામુ

Social Share

રાજકોટ: કોરોના કાળમાં તહેવારો ઉજવવાનો ઉત્સાહ ઓસરી ગયો છે અને મોટા ભાગના તહેવારોની જાહેર ઉજવણીમાં આ વખતે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો. દિવાળી બાદ પણ કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો હતો ત્યારે હવે સરકાર અને પોલીસ કોરોના સંક્રમણ ના ફેલાય તે માટે દરેક રીતે સતર્ક અને સજ્જ છે. ત્યારે હવે ઉત્તરાયણના તહેવાર પર સૌની નજર છે. ઉત્તરાયણના તહેવાર અંગે રાજકોટ પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

ઉત્તરાયણના તહેવારને હજુ વાર છે એ પહેલા જ રાજકોટ પોલીસે તહેવારને લઇને જાહેરનામું બહાર પાડી દીધું છે. જે મુજબ, પતંગ ચગાવતી વખતે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવાની ખાસ સૂચના અપાઇ છે. રાજકોટ પોલીસ કમિશનર અનુસાર, સોશિયલ ડિસ્ટન્સિંગનું ઉલ્લંઘન કરશે તો દંડ કરવામાં આવશે. ચાઇનીઝ દોરા, તુક્કલ વેચનાર-ખરીદનાર સામે કાર્યવાહી થશે. 18 ડિસેમ્બરથી 16 જાન્યુઆરી સુધી આ જાહેરનામું લાગું પડશે.

જાહેરનામામાં અપાયેલી અગત્યની સૂચનાઓ

મહત્વનું છે કે, કોરોનાની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખતા સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતની ગાઇડલાઇન્સનું કડકાઇપૂર્વક પાલન કરવાનું રહેશે અને જો કોઇ કોરોનાની ગાઇડલાઇન્સનું ઉલ્લંઘન કરશે તો તેની સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. રાજકોટવાસીઓ તહેવારને ખૂબ સારી રીતે માણી શકે અને કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે અગાઉથી જ જાહેરનામું બહાર પાડી દેવામાં આવ્યું છે.

(સંકેત)