Site icon Revoi.in

અમદાવાદમાં રહેણાંક તેમજ ઓફિસ પ્રોપર્ટીના વેચાણમાં રિકવરી: રિપોર્ટ

Social Share

અમદાવાદ: ગત 2020નું વર્ષ કોરોના વાયરસના સંક્રમણને કારણે રોજગાર અને ઉદ્યોગ ક્ષેત્ર માટે અત્યંત કપરું અને પડકારજનક રહ્યું હતું. વર્ષ 2020ના બીજા અર્ધવાર્ષિક ગાળામાં અમદાવાદમાં રિયલ્ટી ક્ષેત્રે નોંધપાત્ર રિકવરી જોવા મળી છે. એક રિપોર્ટ અનુસાર અમદાવાદમાં રહેણાંક તેમજ ઓફિસની જગ્યાના વેચાણમાં નોંધપાત્ર 58 ટકા તેમજ 66 ટકાની રિકવરી જોવા મળી હતી. વર્ષ 2020ના ચોથા ત્રિમાસિક ગાળામાં અન્ય ત્રણ ક્વાર્ટરની તુલનાએ રહેણાંક એકમો તેમજ ઓફિસના વેચાણમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે.
નાઈટ ફ્રેન્ક ઈન્ડિયાના રિપોર્ટ મુજબ અમદાવાદમાં રિઅલ એસ્ટેટ ઉદ્યોગ કોરોના કાળ વચ્ચે પણ ધબકતો જોવા મળ્યો હતો. 2020ના બીજા અર્ધવાર્ષિક ગાળામાં શહેરમાં રહેણાક પ્રોપર્ટી તેમજ ઓફિસ પ્રોપર્ટીના વેચાણમાં રિકવરી આવતી જોવા મળી છે. ચોથી ત્રિમાસમાં વેચાણમાં નોંધપાત્ર સુધારો રહેતા અમદાવાદ દેશના ટોચના આઠ શહેરોમાં સૌથી ઉભરતા બજાર તરીકે જોવા મળ્યું હોવાનું રિપોર્ટમાં જણાવાયું છે. બીજીતરફ સમગ્ર વર્ષણાં રહેણાક મિલકતનું વાર્ષિક વેચાણ 61 ટકા ઘટ્યું હતું જ્યારે ઓફિસ વેચાણ 15 ટકા ઘટ્યું હતું.

રિપોર્ટ મુજબ 2020ના પ્રથમ છ મહિનાની તુલનાએ બીજા છ માસમાં નવા રહેણાક પ્રોજેક્ટ્સ વધુ શરૂ થયા છે. લગભગ 81 ટકા જેટલી રિકવરી જોવા મળી છે. વર્ષ દરમિયાન નવા રેસિડેન્શિયલ પ્રોજેક્ટસ 36 ટકા ઘટીને 7,372 રહ્યા હતા જે 2019ના ગાળામાં 11,487 હતા.

કોરોના કાળમાં ઓફિસના નવા પ્રોજેક્ટ્સના બાંધકામમાં સાધારણ ત્રણ ટકાનો ઘટાડો નોંધાયો હતો અને બીજા અર્ધવાર્ષિક ગાળામાં 25 લાખ ચોરસ ફૂટ બાંધકામ નોંધાયું હતું જ્યારે પ્રથમ છ મહિનામાં 26 લાખ ચોરસ ફૂટ બાંધકામ થયું હતું. 2019ની તુલનાએ 2020માં ઓફિસ બાંધકામમાં પાંચ ટકાનો ઉછાળો જોવા મળ્યો હોવાનું રિપોર્ટમાં જણાવાયું છે.

મિલકતોના સોદામાં 2020ના બીજા અર્ધવાર્ષિક ગાળામાં 66 ટકા રિકવરી નોંધાઈ છે જે સારી બાબત છે. જો કે 2019ની તુલનાએ તેમાં હજુ સુધારો જોવા નથી મળ્યો.

રહેણાક મિલકતની બાબતે 2020ના બીજા અર્ધવાર્ષિક ગાળામાં વેચાણ 58 ટકા સુધરીને 3,986 યુનિટ રહ્યું હતું જ્યારે પ્રથમ છ માસમાં 2,520 યુનિટનું વેચાણ અમદાવાદમાં થયું હતું. 2019ના બીજા અર્ધવાર્ષિક ગાળાની તુલનાએ ગત વર્ષના પ્રથમ છ માસમાં વેચાણમાં 70 ટકાનો ઘટાડો નોંધાયો હતો. વાર્ષિક વેચાણ 61 ટકા ઘટીને 6,506 (16,713) યુનિટ રહ્યું હતું. 2020ના છેલ્લા છ મહિનામાં એફર્ડેબલ હાઉસિંગનો ફાળો 31 ટકાએ જળવાઈ રહ્યો હતો.

(સંકેત)