Site icon Revoi.in

મહાશિવરાત્રીના પર્વ પર સોમનાથ મંદિર ભાવિકો માટે સળંગ 42 કલાક ખુલ્લું રહશે

Social Share

અમદાવાદ: ભગવાન શિવની આરાધનાનું પર્વ એટલે મહાશિવરાત્રી. માર્ચ મહિનાનો પ્રારંભ થઇ ચૂક્યો છે ત્યારે 11મી માર્ચના રોજ મહાશિવરાત્રીનું પર્વ છે ત્યારે આ વખતે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના મંદિરમાં કોરોનાની ગાઇડલાઇન સાથે મહાશિવરાત્રીનું ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. મહાશિવરાત્રીના પર્વ પર સોમનાથ મંદિરના દ્વાર ભાવિકો માટે વહેલી સવારે 4 કલાકે ખુલ્યા બાદ સળંગ 42 કલાક સુધી ખુલ્લા રહેશે.

આ દરમિયાન સોમનાથ મહાદેવને ધ્વજારોહણ, ચાર પ્રહરની મહા પૂજા-આરતી, પાલખીયાત્રા સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

આ અંગે સોમનાથ મંદિર ટ્રસ્ટના અધિકારી દિલીપસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, મહાશિવરાત્રીના દિવસે સોમનાથ મંદિરમાં આવતા તમામ ભાવિકોએ માસ્ક ફરજીયાત પહેરવાની સાથે કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરવું પડશે. મંદિરમાં ભાવિકોના પ્રવેશથી લઇને બહાર નીકળવાના માર્ગે ભીડ ના થાય તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

11મી માર્ચે સવારે 4 વાગ્યે સોમનાથ મંદિરના દ્વાર ભક્તો માટે ખુલશે. ત્યારબાદ સળંગ 42 કલાક સુધી ખુલ્લા રહ્યા બાદ બીજા દિવસે એટલે કે શુક્રવારની રાતે 10 વાગ્યે બંધ થશે. સવારે 9 વાગ્યે પાલખીયાત્રા નિકળશે જે ફક્ત પરિસરમાં જ ફરશે.

ભગવાનના દર્શને આવતા દિવ્યાંગો અને વૃદ્ધો માટે પાર્કિંગથી મંદિર સુધી વિનામૂલ્યે રિક્ષાની વ્યસ્થા, પરીસરમાં ઈ-રિક્ષા અને વ્હીલચેરની સુવિધા રાખવામાં આવશે. મેડિકલ ટીમ પણ ત્યાં ઉપસ્થિત રહેશે.

દર વર્ષે મંદિર બહાર હમીરજી સર્કલ આસપાસ પ્રસાદી માટે ચારેક સંસ્થાઓ દ્વારા ભંડારાનું આયોજન કરવામાં આવે છે. આ વખતે ભંડારાનું સ્થળ બદલીને ચોપાટી ગ્રાઉન્ડ ખાતે તેનું આયોજન કરવામાં આવશે. જ્યારે સાંસ્કૃતિક કાર્યક્રમ શ્રી રામ મંદિરના ઓડિટોરિયમમાં મર્યાદિત લોકોની હાજરીમાં યોજાશે અને ડિજિટલ પ્લેટફોર્મ પર તેનું પ્રસારણ પણ કરવામાં આવશે.

(સંકેત)