Site icon Revoi.in

નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા-રાહુલ ગાંધીને રાહત, કોર્ટનો EDની ચાર્જશીટ પર સુનાવણીનો સ્વીકારવાનો ઇનકાર

Social Share

નવી દિલ્હીઃ નેશનલ હેરાલ્ડ સાથે જોડાયેલા મની લોન્ડરિંગના કેસમાં રાઉઝ એવન્યુ કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટ પર સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે. કોર્ટના આ નિર્ણયથી કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને મોટી રાહત મળી છે. જોકે, કોર્ટે EDને આ મામલે તપાસ ચાલુ રાખવાની છૂટ આપી છે. EDએ તેની ચાર્જશીટમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, સેમ પિત્રોડા, સુમન દુબે, સુનીલ ભંડારી, યંગ ઇન્ડિયન અને ડૉટેક્સ મર્ચન્ડાઇઝ પ્રાઇવેટ લિમિટેડ સહિત અનેક મોટી હસ્તીઓને આરોપી તરીકે ઉલ્લેખયા હતા. કોંગ્રેસ આ તપાસને રાજકીય બદલાની કાર્યવાહી ગણાવતી રહી છે, જ્યારે EDનો દાવો છે કે આ એક ગંભીર આર્થિક અપરાધ છે જેમાં ગેરરીતિ અને મની લોન્ડરિંગના પુરાવા મળ્યા છે.

EDનો મુખ્ય આરોપ છે કે કોંગ્રેસના નેતાઓએ ષડયંત્રના ભાગરૂપે એસોસિએટેડ જર્નલ્સ લિ. (AJL)ની રૂ. બે હજાર કરોડની સંપત્તિઓ પર કબજો જમાવવા માટે માત્ર રૂ. 50 લાખમાં પ્રાઇવેટ કંપની યંગ ઇન્ડિયનદ્વારા તેનું અધિગ્રહણ કર્યું હતું. આ કંપનીના 76 ટકા શેર સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પાસે છે. EDના મતે આ કેસમાં અપરાધથી મેળવેલી આવકરૂ. 988 કરોડ માનવામાં આવી છે. જ્યારે સંબંધિત સંપત્તિઓનું બજાર મૂલ્ય રૂ. 5 હજાર કરોડ અંદાજવામાં આવ્યું છે. ચાર્જશીટ દાખલ કરતાં પહેલાં, EDએ આ કેસ સાથે જોડાયેલી સંપત્તિઓ જપ્ત કરવાની કાર્યવાહી કરી હતી. 12 એપ્રિલ, 2025ના રોજ EDએ દિલ્હીના હેરાલ્ડ હાઉસ, મુંબઈના બાંદ્રા (ઈસ્ટ) અને લખનઉના વિશ્ર્વેશ્વર નાથ રોડ પર સ્થિત AJLની ઇમારતો પર નોટિસ લગાવીને રૂ. 661 કરોડની સ્થાવર સંપત્તિ જપ્ત કરી હતી. આ ઉપરાંત, EDએ નવેમ્બર 2023માં AJLના રૂ. 90.2 કરોડના શેરોને પણ જપ્ત કર્યા હતા.

નેશનલ હેરાલ્ડ અખબારની શરૂઆત 1938માં તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ 5 હજાર સ્વતંત્રતા સેનાનીઓ સાથે મળીને કરી હતી. આ અખબારનું પ્રકાશન AJL કરતું હતું. 2008માં આ અખબાર બંધ થઈ ગયું, જે પછી તેના અધિગ્રહણ પર વિવાદ અને કૌભાંડના અહેવાલો સામે આવવા લાગ્યા હતા.

 

Exit mobile version