Site icon Revoi.in

અમેરિકા ભણવા જતા વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર, આજથી ઈન્ટરવ્યું સ્લોટ્સ અપાશે

Social Share

મુંબઈ: અમેરિકન દૂતાવાસના એક ઉચ્ચ અધિકારીએ ભારતથી અમેરિકા ભણવા આવતા વિદ્યાર્થીઓ માટે મહત્વની જાણકારી આપી છે જે ભારતીય વિદ્યાર્થીઓ માટે રાહતની સાથે ખુશીના સમાચાર પણ છે. ઉચ્ચ અધિકારીએ કહ્યું કે હાલ ભારતના પ્રવાસે આવેલું અમેરિકન પ્રતિનિધિમંડળ જુલાઈ, ઓગસ્ટ સુધી વધુને વધુ ભારતીય વિદ્યાર્થીઓને અમેરિકામાં પ્રવાસની મંજૂરી આપવાની તૈયારી કરી રહ્યું છે.

અમેરિકન દૂતાવાસમાં કોન્સ્યુલર અફેર્સના મિનિસ્ટર કાઉન્સેલર ડોન હેફિને પણ આ વાતની પુષ્ટિ કરતા કહ્યું કે, અમેરિકા ઈચ્છતા વિદ્યાર્થીઓએ કોરોના રસી લીધાનું પ્રમાણપત્ર બતાવવું નહીં પડે. તેઓ ફક્ત 72 કલાક જૂનો કોરોનાનો નેગેટિવ રિપોર્ટ બતાવીને અમેરિકામાં પ્રવેશ કરી શકશે.

કોરોનાવાયરસના સંક્રમણને અને મહામારીને ધ્યાનમાં રાખીને અમેરિકા દ્વારા વિઝા એપોઈન્ટમેન્ટ પર વિવિધ પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા. હવે સોમવારથી જ તમામ વિદ્યાર્થીઓને વિઝા ઈન્ટરવ્યું માટે સ્લોટ ફાળવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે.

અમેરિકન દૂતાવાસ દ્વારા જણાવવામાં આવ્યું કે અમેરિકા જવા ઈચ્છતા અનેક વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતા પણ તણાવમાં છે, ચિંતિત છે. તેથી અમે વિઝા માટે અરજી કરનારા વધુને વધુ વિદ્યાર્થીઓને જુલાઈ, ઓગસ્ટ સુધી અમેરિકામાં પ્રવેશ આપવા પ્રયત્નશીલ છીએ. આ વિદ્યાર્થીઓને કાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ અપાવવો તે જ અમેરિકન દૂતાવાસની પ્રાથમિકતા છે.

અમેરિકન દૂતાવાસ દ્વારા ઈન્ટરવ્યુંને લઈને તે પણ જણાવવામાં આવ્યું કે અમારી યોજના છે કે, પહેલી જુલાઈથી સતત બે મહિના માટે અમે અરજી કરી હોય તેવા વિદ્યાર્થીઓના ઈન્ટરવ્યું શરૂ કરીએ. મહામારીની સ્થાનિક સ્થિતિને ધ્યાનમાં રાખીને અમે એટલા જ અરજદારોના ઈન્ટરવ્યું કરવાની તૈયારી કરીશું, જેટલાને અમે જે તે સ્થળે સુરક્ષિત રાખી શકીએ.

ઈન્ટરવ્યું માટે વિદ્યાર્થીઓએ અરજન્ટ એપોઈન્ટમેન્ટ લેવાની પણ જરૂર નહીં રહે. 14 જૂને અમે વિદ્યાર્થીઓને જુલાઈ-ઓગસ્ટની એપોઈન્ટમેન્ટ લેવાનું શરૂ કરીશું. આ નિર્ણયથી અમેરિકા ઉચ્ચ અભ્યાસ માટે જવા ઈચ્છતા હજારો ભારતીય વિદ્યાર્થીઓનો માર્ગ મોકળો થઈ ગયો છે.

દૂતાવાસના ઉચ્ચ અધિકારીના જણાવ્યા પ્રમાણે, ભારતથી અમેરિકા જવા ઈચ્છતા એફ અને એમ-વિઝા હોલ્ડર્સ પણ એક નવા પ્રોગ્રામ હેઠળ 30 દિવસમાં અમેરિકા જઈ શકશે. આ પ્રોગ્રામ 1 ઓગસ્ટ કે તે પછી શરૂ થશે. તેનો અર્થ એ છે કે, કેટલાક ભારતીય વિદ્યાર્થીઓ 2 જુલાઈ પહેલા કાયદેસર અમેરિકા જઈ શકશે. તેઓને પણ નેશનલ ઈન્ટરેસ્ટ એક્સેપ્શનનો લાભ અપાશે.