Site icon Revoi.in

નવરાત્રી દરમિયાન એએમટીએસ દ્વારા ધાર્મિક પ્રવાસ, શહેરના માતાજીના મંદિરોમાં પ્રવાસીઓને દર્શને લઈ જવાશે

Social Share

અમદાવાદ :  શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં મંદિરો અને દાર્મિક સ્થલો આવેલા છે. નવરાત્રી દરમિયાન લોકો માતાજીના મંદિરમાં દર્શન કરી શકે તે માટે  લોકોને માત્ર રૂપિયા 60માં ધાર્મિક પ્રવાસ કરાવવાનો નિર્ણય મ્યુનિ.કોર્પોરેશનના એએમટીએસ દ્વારા લેવામાં આવ્યો છે. કોરોના કાળમાં લોકોની ધાર્મિક પ્રવૃત્તિઓ પણ અટવાઈ ગઈ હતી. ગત નવરાત્રિમાં લોકો કોરોનાને કારણે ઘરમાં પૂરાયા હતા. પરંતુ આ વર્ષે અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના એએમટીએસ દ્વારા  માતાના ભક્તો માટે ખાસ નિર્ણય કરાયો છે. શ્રાવણ માસ બાદ હવે નવરાત્રિ નિમિતે AMTS દ્વારા શહેરીજનો માટે ખાસ જાહેરાત કરાઈ છે. નવરાત્રિ દરમિયાન ધાર્મિક સ્થળોએ પ્રવાસનું આયોજન કરાયું છે. શહેરમાં આવેલા વિવિધ ધાર્મિક સ્થળો પર AMTS દ્વારા લઈ જવાશે.

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના એએમટીએસના સૂત્રોના જણાવ્યા મુજબ શહેરમાં તા. 7 ઓક્ટોબરથી એએમટીએસ દ્વારા આ સુવિધા શરૂ કરવામાં આવશે. જેના માટે ઓછો ચાર્જ રાખવામાં આવ્યો છે. પુખ્ત વયના લોકો માટે 60 રૂપિયામાં આ પ્રવાસ કરાવાશે. તો બાળકો માટે માત્ર 30 રૂપિયાની ટિકિટ રાખવામાં આવી છે. સવારે 8.15 થી સાંજે 4.15 સુધીનો સમય રહેશે. શહેરના ભદ્રકાળી મંદિર – લાલ દરવાજા , મહાકાળી મંદિર – દૂધેશ્વર, ચામુંડા મંદિર – અસારવા બ્રિજ નીચે,  ભવાની વાવ – અસારવા, પદ્માવતી મંદિર – નરોડા, ખોડિયાર મંદિર – નિકોલ, હરસિદ્ધી માતા મંદિર – રખિયાલ, બહુચરાજી મંદિર – ભૂલાભાઈ પાર્ક, મેલડી માતા મંદિર – બહેરામપુર, વૈષ્ણોદેવી મંદિર – એસજી હાઈવે, ઉમિયા માતા મંદિર – જાસપુર રોડ, આઈમાતા મંદિર – સુઘડ, હિંગળાજ માતા મંદિર – નવરંગપુરામાં ભાવિકોને બસમાં લઈ જઈને દર્શન કરાવાશે. આ સાથે જ એક ખાસ નિયમ પણ મૂકાયો છે. જેમ કે, જો આ સુવિધા ગ્રૂપમાં લેવી હશે તો ઓછામાં ઓછા 40 પ્રવાસી હોવા જોઈએ. પ્રવાસ માટે જવા એક દિવસ પહેલા જાણ કરવાની રહેશે.

 

Exit mobile version