Site icon Revoi.in

ભરૂચના પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે ગયેલા પ્રભારી મંત્રી અને ધારાસભ્યને લોકોએ ઉગ્ર રજુઆત કરી

Social Share

ભરૂચઃ સરદાર સરોવર નર્મદા ડેમમાંથી ત્રણ દિવસ પહેલાં લાખો ક્યુસેક પાણી છોડાતા પૂરના પાણીએ ભરૂચ શહેરમાં ભારે તબાહી મચાવી હતી. શહેરમાં પૂરના પાણી ઓસરતાં જ શહેરમાં તબાહીનાં દૃશ્યો જોવા મળી રહ્યા છે. ત્યારે બુધવારે આ વિસ્તારોની મુલાકાતે પ્રભારી મંત્રી અને ધારાસભ્ય પહોંચતાં જ સ્થાનિકોએ રોષ ઠાલવ્યો હતો. સ્થાનિકોએ એવો બળાપો વ્યક્ત કર્યો હતો. કે, પૂરના પાણી ઓસર્યા બાદ હજી સુધી કોઈ સફાઈ કરવા માટે પણ આવ્યું નથી, અહીંના લોકો જાતે સફાઈ કરી રહ્યા છે. ઉપરાંત પૂરમાં બે દિવસ કપરી પરિસ્થિતિમાં મુકાયા હતા. સરકારના કોઈ અધિકારીઓ પૂછવા પણ આવ્યા નથી.

સરદાર સરોવર ડેમમાંથી લાખો ક્યુસેક પાણી છોડાતાં ભરૂચ શહેરમાં નર્મદાના પાણીએ ભારે તારાજી સર્જી હતી. ભરૂચ શહેરમાં 53 વર્ષના લાંબા ગાળા બાદ આવી તબાહીનાં દૃશ્યો જોવા મળ્યાં હતાં. પૂરના પાણી ભરૂચના ઐતિહાસિક ગોલ્ડનબ્રિજની મહત્તમ 40.47 ફૂટે સ્પર્શી ગયા હતા. નર્મદા ડેમના 23 ગેટ ખોલી સાગમટે 18 લાખ ક્યૂસેક ઉપરાંત છોડાયેલા પાણીથી કાંઠા વિસ્તારના ગામો અને શહેરોમાં ભારે નુકસાન થયું હતું. પૂરના પાણી ઓસર્યા બાદ હવે ભરૂચ જિલ્લામાં અત્ર, તત્ર અને સર્વત્ર તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ભરૂચની બજારોમાં દુકાનોની અંદર પાણી ઘૂસી જવાના કારણે વેપારીઓએ લાખો રૂપિયાની નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે.

ભરૂચ શહેરમાંથી પૂરના પાણી ઓસર્યા બાદ ધીમે ધીમે સ્થિતિ થાળે પડી રહી છે. ત્યારે બુધવારે ભરૂચના પ્રભારી મંત્રી કુંવરજી હળપતિ, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહિત ભરૂચના સ્થાનિક નેતાઓ શહેરના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે ગયા હતા. નેતાઓ જ્યારે ભરૂચના દાંડિયા બજાર વિસ્તારમાં પહોંચ્યા ત્યારે અહીંના સ્થાનિક લોકોએ ઘેરાવ કરી ગુસ્સો ઠાલવ્યો હતો. મંત્રી લોકોને શાંત પાડવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા પણ લોકો શાંત પડી રહ્યા ન હતા. ત્યારબાદ મંત્રી અને તેનો કાફલો ઘટનાસ્થળ પરથી રવાના થઈ ગયો હતો. ભરૂચની બજારોમાં પૂરના પાણી ઘૂસી જવાના કારણે વેપારીઓનો લાખો રૂપિયાનો માલ પલળીને બગડી ગયો છે. ત્યારે વેપારીઓએ રોષ ઠાલવતાં કહ્યું હતું કે અમે અમારી દુકાનમાંથી બગડી ગયેલો માલ કાઢી લીધો પછી સર્વેની ટીમ આવશે તો સર્વે કઈ રીતે કરશે. જ્યારે સર્વે કરવાનો હતો ત્યારે સર્વે કેમ ન કરાયો,  અન્ય લોકોએ રોષ ઠાલવતાં કહ્યું હતું કે અમારા વિસ્તારમાં કોઈ સફાઈ કરવા માટે પણ આવ્યું નથી. અમે લોકોએ જાતે સફાઈ કરી છે.

દરમિયાન ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે પ્રજાનો આક્રોશ વાજબી છે. અમે સતત સરકાર સાથે સંપર્કમાં છીએ અને બનતી ત્વરાએ તમામ સહાય અને મદદ પૂરી કરીશું, પણ હાલની પરિસ્થિતિ જોતાં અમારી પ્રાથમિકતા સાફસફાઈ, રોગચાળો ના ફાટી નીકળે, મેડિકલ અને હેલ્થ સહિત અસરગ્રસ્તોને ભોજન તથા પાણી મળી રહે એ છે.