Site icon Revoi.in

લોકસભાની ચૂંટણીના ટાણે ઈલેક્શન કમિશનર અરૂણ ગોયલનું રાજીનામું, રાષ્ટ્રપતિ કર્યો સ્વીકાર

Social Share

નવી દિલ્હીઃ  લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ત્યારે જ ચૂંટણી કમિશનર અરૂણ ગોયલે રાજીનામું આપી દીધું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ તેમના રાજીનામાનો સ્વીકાર કરી લીધો છે. ભારતના ચૂંટણી પંચમાં મુખ્ય કમિશનર સહિત ત્રણ કમિશનરો હોય છે. જેમાં  એક ચૂંટણી કમિશનરની જગ્યા પહેલેથી જ ખાલી હતી. હવે ગોયલના રાજીનામા માત્ર મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર જ બચ્યા છે.એટલે હવે તાત્કાલિક બે કમિશનરોની નિમણૂક કરવી પડશે.

લોકસભાની ચૂંટણી 15 માર્ચ આસપાસ જાહેર થવાની શક્યતા છે. દરેક રાજકીય પક્ષોએ ચૂંટણીની તડામાર તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. ઉમેદવારો પણ જાહેર કરવામાં આવી રહ્યા છે. ત્યારે ભારતના ચૂંટણી પંચના કમિશનર અરૂણ ગોયલે રાજીનામું આપી દીધું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ તેમના રાજીનામાનો સ્વીકાર પણ કરી લીધો છે  ભારતના ચૂંટણી પંચમાં મુખ્ય ચૂંટણી કમિશનર સિવાય ચૂંટણી પંચમાં વધુ બે ચૂંટણી કમિશનર હોય છે. ગોયેલે રાજીનામું આપતા હવે ચૂંટણી તંત્રની સમગ્ર જવાબદારી મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારના ખભા પર આવી ગઈ છે. અરુણ ગોયલ મુખ્ય ચૂંટણી કમિશનરની સાથે ચૂંટણી તૈયારીઓ માટે ઘણા રાજ્યોની મુલાકાતે ગયા હતા. હવે તેમણે અચાનક પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ સંદર્ભમાં, શનિવારે કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રાલય દ્વારા જારી કરાયેલ એક ગેઝેટ નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, ‘રાષ્ટ્રપતિએ ચૂંટણી કમિશનર અરુણ ગોયલનું રાજીનામું સ્વીકાર્યું છે, જે 09 માર્ચ, 2024થી પ્રભાવી માનવામાં આવશે.’ 21 નવેમ્બર 2022ના રોજ ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત થયેલા અરુણ ગોયલનો કાર્યકાળ ડિસેમ્બર 2027 સુધીનો હતો. જો કે, અરુણે શા માટે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું તે હજુ સુધી જાણી શકાયું નથી.

અરુણ ગોયલ 1985 બેચના IAS ઓફિસર રહી ચૂક્યા છે. તેમણે 18 નવેમ્બર, 2022ના રોજ સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી અને બીજા જ દિવસે ચૂંટણી કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવ્યા. તેમની નિમણૂક વિવાદાસ્પદ હતી અને તેને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી હતી. આ કેસની સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે સરકારને પૂછ્યું હતું કે, ‘વીઆરએસ લેવાના બીજા જ દિવસે અરુણ ગોયલને ચૂંટણી કમિશનરના પદ પર નિયુક્ત કરવામાં આવી, શું ઉતાવળ હતી’.