Site icon Revoi.in

પાકિસ્તાનમાં ઈશનિંદાનો આરોપ એટલે બિનમુસ્લિમોની હત્યાનો ‘પરવાનો’, સિંધના ઘોટકીમાં હિંદુ શિક્ષક સામે આરોપ બાદ તણાવ

Social Share

પાકિસ્તાનમાં એક સ્કૂલના શિક્ષક પર ઈશનિંદાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ આરોપ બાદ સ્કૂલની ઈમારત અને મંદિરમાં તોડફોડ કરીને ઉત્પાત મચાવવાની ઘટના સામે આવી છે.

દક્ષિણ સિંધના ઘટકી જિલ્લામાં હિંદુઓની ઘણી મોટી વસ્તી વસવાટ કરે છે. અહીં રહેતા લગભગ ચાર હજાર હિંદુ પરિવારો સ્થાનિક મુસ્લિમોની સરખામણીએ આર્થિક રીતે સારી સ્થિતિમાં છે. આ જિલ્લામાં 80 ટકા વ્યાપારને પણ હિંદુ પરિવારો જ ચલાવી રહ્યા છે.

બે દિવસ પહેલા આક્રોશિત મુસ્લિમોની ભીડે ઘોટકી જિલ્લાની એક સ્કૂલમાં તોડફોડ કરી હતી અને તેનો વીડિયો સોશયલ મીડિયામાં વાઈરલ થયો હતો. વીડિયોમાં જણાવવામાં આવ્યું હતું કે એક હિંદુ શિક્ષક કે જે આ સ્કૂલનો માલિક પણ છે, તેના પર ઈસ્લામના પયગમ્બર મોહમ્મદની વિરુદ્ધ ટીપ્પણી કરવાનો અને ઈશનિંદાનો આરોપ લાગ્યો છે.

પોલીસ સૂત્રો પ્રમાણે, આ બધું પ્રોફેસર નૂતનલાલના ક્લાસમાં થયેલી ચર્ચા સાથે શરૂ થયું હતું. તે સમયે પ્રોફેસર ઉર્દૂ ભણાવી રહ્યા હતા. તે પીરિયડ પુરો થયા બાદ એક સ્ટૂડન્ટે પોતાના ઈસ્લામિયાતના શિક્ષક પાસે જઈને આરોપ લગાવ્યો કે નૂતનલાલે પયગમ્બર સામે અપમાનજનક ટીપ્પણી કરી છે.

પાકિસ્તાનમાં વિવાદાસ્પદ ઈશનિંદાના કાયદા હેઠળ પયગમ્બર મુહમ્મદ વિરુદ્ધ ઈશનિંદા કરવા પર સજા-એ-મોતની જોગવાઈ છે.

પોલીસ પ્રમાણે, શરૂઆતમાં સ્કૂલના શિક્ષકોએ સ્કૂલમાં જ આ મુદ્દને ઉકેલવાની કોશિશ કરી હતી. પ્રોફસર નૂતનલાલે પણ માફી માંગી અને કહ્યુ કે તેમનો ઈરાદો કોઈની પણ ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો ન હતો.

પરંતુ સ્ટૂડન્ટે આ ઘટનાની વાત તેના પિતાને કરી અને તેના સંદર્ભે ફેસબુક પર પોસ્ટ પણ શેયર કરી હતી.

14મી સપ્ટેમ્બરની રાત્રે ગુસ્સે ભરાયેલી મુસ્લિમોની ભીડે ઘોટકી જિલ્લાના સ્થાનિક પોલીસ સ્ટેશનનો સંપર્ક કરીને પ્રોફેસર વિરુદ્ધ ઈશનિંદાના આરોપમાં ફરિયાદ નોંધવાની માગણી કરી હતી.

ઘોટકીના એસએસપી ડૉ. ફારુખ અલીએ કહ્યુ છે કે પોલીસે શરૂઆતમાં ભીડને સાંત્વના આપવાની કોશિશ કરી હતી, પરંતુ લોકો પ્રોફેસરની વિરુદ્ધ ઈશનિંદાના મામલાથી પીછેહઠ કરવા માટે તૈયાર ન હતા.

આ મામલો જંગલમાં આગની જેમ આ વિસ્તારમાં ફેલાયો હતો. બીજા દિવસની સવારે લગભગ 11 વાગ્યે સૂત્રોચ્ચાર સાથે આક્રોશિત ભીડ નૂતનલાલની સ્કૂલમાં ઘૂસી આવી. ભીડે ઈમારતમાં તોડફોડ કરી અને સ્કૂલના ફર્નિચરને નુકસાન પહોંચાડયું હતું. બાદમાં આ લોકો નજીકના એક મંદિરમાં ગયા હતા.

આ હિંદુ મંદિર પર સિંધના ઘોટકી જિલ્લાના મુસ્લિમોની આક્રોશિત ભીડે પથ્થરમારો શરૂ કર્યો હતો. અહીં છ પોલીસકર્મીઓની તેનાતી હતી. મંદિરમાં નિર્માણકાર્ય ચાલી રહ્યું હોવાથી બહારનો દરવાજો ખુલ્લો હતો. પોલીસકર્મીઓએ અધિકારીઓને મામલા અંગે માહિતી આપી હતી. પરંતુ જ્યા સુધી ફોર્સ અહીં પહોંચે, કેટલાક દેખાવકારો અંદર ઘૂસી ગયા હતા. આ મંદિરમાં પાંચ લોકો હાજર હતા. તેઓ દરવાજો બંધ કરીને જીવ બચાવવા માટે ઉપર તરફ ભાગ્યા હતા. દશ મિનિટ સુધી આક્રોશિત મુસ્લિમોની ભીડે મંદિરમાં તોડફોડ કરી હતી અને પાંચેય લોકો છત પર ફફડતા જીવે જીવ બચે તેની પ્રાર્થના કરતા હતા.

10 મિનિટ બાદ પોલીસે આ પાંચેય લોકોને છત પરથી નીચે આવવા માટે કહ્યુ હતું. જ્યારે આ લોકો નીચે આવ્યા તો મંદિરની સ્થિતિ જોઈને તેમનામાં ડર ઓછો અને ગુસ્સો વધારે હતો. તે દિવસે દેખાવકારો દ્વારા રસ્તા બાધિત કરવામાં આવ્યા અને કેટલાક હિંદુઓની દુકાનોને પણ લૂંટવામાં આવી હતી. શહેરની સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બહાલ કરવા માટે પોલીસની મદદ માટે પેરા મિલિટ્રી ફોર્સ રેન્જર્સની પણ તેનાતી કરવામાં આવી હતી.

હ્યુમનરાઈટ એક્ટિવિસ્ટ રાજા મુજીબે અને તેમના જેવી વિચારધારા ધરાવતા મિત્રોએ ચુપ નહીં રહેવાનો નિર્ણય કર્યો અને તેમણે એક વ્હોટ્સએપ ગ્રુપ બનાવ્યું તથા શહેરમાં શાંતિ રેલી કાઢવાની યોજના પણ બનાવી હતી. કટ્ટરવાદી લોકોથી ડરેલા હોવા છતાં તેમણે સાહસ દેખાડયું હતું. કાર્યકર્તાઓ ભલે ગણતરીના 50થી પણ ઓછા હતા. પણ તેમણે સફેદ વાવટા સાથે રેલીની શરૂઆત કરીને સેંકડો સ્થાનિક લોકોને પોતાની સાથે જોડયા હતા.
ઘોટકી જિલ્લાના ઘણાં મુસ્લિમોએ હિંદુ સમુદાય સાથે એકજૂટતા દર્શાવી હતી. બીજી રાત્રે કાર્યકર્તાઓ મંદિરમાં જ રહ્યા અને સ્થાનિક નેતાઓ પણ તેમની સાથે સામેલ થયા હતા.

મુખ્ય ધાર્મિક સમૂહોએ પણ હિંદુ સમુદાયની વિરુદ્ધ થયેલી હિંસાની નિંદા કરી છે. તેમણે નૂતનલાલ વિરુદ્ધ આરોપની પારદર્શક તપાસની પણ માગણી કરી છે. પરંતુ પોતાના અનુયાયીઓને હિંસાથી દૂર રહેવા તાકીદ કરી છે.

મંદિરમમાં તોડફોડ કરનારાઓની વિરુદ્ધ પોલીસે ઈશનિંદાનો મામલો નોંધ્યો છે. કેટલાક લોકોની ધરપકડ  પણ કરવામાં આવી છે. સ્કૂલ પર હુમલો કરનારા, દુકાનોમાં લૂંટ કરનારા અને સડકોને બાધિત કરનારાઓ વિરુદ્ધ એફઆઈઆર કરવામાં આવી છે.

ઘોટકીને એસએસપી ડૉ. ફારુક અલીએ કહ્યુ છે કે એફઆઈઆર નોંધીને એક સંદેશ આપવામાં આવ્યો છે કે રાજ્ય માટે તમામ ધર્મોના નાગરીકો બરાબર છે.

નૂતનલાલને હજીપણ સુરક્ષાની દ્રષ્ટિએ એક અજાણ્યા સ્થાન પર રાખવામાં આવ્યા છે. તેમના પરિવારને શહેર છોડીને ભાગવું પડયું છે. ભૂતકાળમાં પાકિસ્તાનમાં કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા પહેલા જ ઈશનિંદાના આરોપીને મારી નાખવાની જઘન્ય ઘટનાઓ બની ચુકી છે. ઘોટકીમાં પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે. દાવો છે કે હાલ શહેરમાં શાંતિ છે, પરંતુ સુરક્ષાદળો એલર્ટ છે. સડકો પર અર્ધસૈનિક દળોને પેટ્રોલિંગ કરતા જોઈ શકાય છે.

પાકિસ્તાનની 96 ટકા મુસ્લિમ વસ્તીમાં હિંદુઓની સંખ્યા બે ટકાથી પણ ઓછી છે. પાકિસ્તાનમાં વસતા 90 ટકા જેટલા હિંદુ સિંધમાં રહે છે. સિંધમાં હિંદુઓ કુલ વસ્તીના 17 ટકા છે. આ હિંદુઓ કરાચી, હૈદરાબાદ જેવા સિંધના મુખ્ય શહેરો અને ગુજરાત તથા રાજસ્થાનની બોર્ડર નજીકના વિસ્તારોમાં વસવાટ કરી રહ્યા છે.