Site icon Revoi.in

ગાંધીનગરના પીરોજપુરમાં લૂંટારૂઓ ત્રાટક્યાં, વૃદ્ધ દંપત્તીને બંધક બનાવી 15 લાખ મત્તાની લૂંટ

Social Share

ગાંધીનગરઃ જિલ્લાના પીરોજપુર ગામની સીમમાં મધરાતે ઘાતક હથિયારો સાથે બુકાનીધારી 10 જેટલા લૂંટારૂ શખસોએ ધમકાવીને વૃદ્ધ દંપતીને બંધક બનાવી રોકડ રકમ, સોના-ચાંદીના દાગીના સહિત કુલ રૂ. 15.52ની મતા લૂંટીને પલાયન થઈ ગયા હતા. આ મામલે ડભોડા પોલીસ મથકમાં ગુનો દાખલ થતાં અલગ અલગ ટીમો બનાવીને તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે.

પાટનગર ગાંધીનગર નજીક આવેલા પીરોજપુર ગામની સીમમાં આવેલા મકાનમાં પત્ની પશીબેન સાથે રહેતા રામાજી અમાજી જાદવ રણાસણ સર્કલ પાસે ધ એટલાન્ટા બિઝનેસ હબ ખાતે મેલડી ટ્રાવેલ્સ નામથી ટ્રાવેલ્સ એજન્સી ચલાવે છે. બુધવારે રાત્રિના આશરે નવેક વાગ્યાના સુમારે જમી પરવારી પતિ-પત્ની ઘરમાં સૂઈ ગયા હતા. ત્યારે દોઢેક વાગે ઘરનો મુખ્ય દરવાજો તૂટવાનો જોરથી અવાજ આવતાં દંપતી એકદમ જાગી ગયાં હતાં. અને વૃદ્ધ દંપતી કંઈ સમજે-વિચારે એટલામાં 10 જેટલા આશરે 25થી 35 વર્ષ ઉંમરના બુકાનીધારી લૂંટારાઓ લાકડી, લોખંડની પાઇપો અને છરા જેવાં હથિયારો સાથે ઘરમાં ધૂંસી ગયા હતા અને રામાજીનું રૂમાલથી મોઢું બાધી દઈ ધમકી આપીને ચુપ કરી દીધા હતા.  બાદમાં લૂંટારાએ રામાજીનાં ગળામાંથી દોઢ તોલાનો 90 હજારની કિંમતનો સોનાનો દોરો તોડી લીધો હતી અને પશીબેનના ગળામાંથી પણ રૂ. 1.20 લાખનો સોનાનો દોરો તેમજ હાથમાંથી 90 હજારની સોનાની વીંટી ખેંચી લીધી હતી. બાદમાં લૂંટારાઓ દંપતીને રસોડામાં લઈ ગયા હતા,ચિજ-વસ્તુઓની લૂંટ કરીને પલાયન થઈ ગયા હતા. થોડીવાર પછી દંપતીએ બૂમાબૂમ કરતાં પડોશમાંથી શ્રવણજી મંગાજી જાદવ દોડી આવ્યા હતા. અને દરવાજો ખોલી દંપતીને બહાર કાઢ્યા હતા. બાદમાં રામાજીના નાના ભાઈ વિરમજી અમાજી જાદવ તથા ભત્રીજો જશવંત અશોકજી જાદવ પણ દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત રામાજીને ખાનગી હોસ્પિટલ લઈ ગયા હતા.

પોલીસ ફરિયાદમાં નોંધાવેલી હકિકત મુજબ બુકાનીધારી લૂંટારૂ શખસોએ તિજોરીના ઉપરના ખાનામાં મુકેલ છૂટા રોકડ રૂ. 60 હજાર, જર્મન બનાવટની એક પેટીમાં રાખેલા 1 લાખ રોકડા, રૂ. 1.80 લાખની સોનાની મગમાળા, બે તોલાનું લોકીટ, રૂ. 1.20 લાખ, સોનાની કાનની હેરો તેની કિંમત રૂ. 2.40 લાખ, ચાંદીના પગના રમઝા આશરે 500 ગ્રામ વજનના, બે લાખની સોનીની લકી, સોનાની ચેઇન રૂ. 1.80 લાખ, અન્ય એક 60 હજારની ચેઇન, ભત્રીજાની ચાંદીની લકી નંગ-40 તેમજ મોબાઇલ ફોન મળીને કુલ રૂ. 15 લાખ 52 હજારની મતાની લૂંટ કરી છે. આ અંગે જાણ થતાં ડભોડા પોલીસ તેમજ લોકલ ક્રાઇમ બ્રાંચ સ્થળ પર પહોંચીને વધુ તપાસનો દૌર શરૂ કર્યો છે.

 

Exit mobile version