Site icon Revoi.in

લોકસભાની ચૂંટણીને લીધે ગુજરાત-રાજસ્થાનની બોર્ડર પર પોલીસનું રાઉન્ડ ધ ક્લોક સઘન ચેકિંગ

Social Share

પાલનપુરઃ લોકસભાની ચૂંટણી જાહેર થતાં જ આચારસંહિતાનો અમલ શરૂ થયો છે. ચૂંટણીમાં નાણા તેમજ દારૂ સહિત નશાકારક ચિજ-વસ્તુઓની હેરાફેરી સામે પોલીસ સક્રિય બની છે, અને ગુજરાત-રાજસ્થાનની સરહદ પરની ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા રાઉન્ડ ધ ક્લોક તમામ વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત સરહદ પરના ગામડાંના અંતરિયાળ માર્ગો પર પણ વોચ ગોઠવવામાં આવી છે.

બનાસકાંઠામાં ગુજરાત-રાજસ્થાન બોર્ડરની ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા તમામ વાહનોની તપાસ કરવામાં આવી રહી છે. તેમજ યાત્રાધામ અંબાજી નજીક માત્ર 7 કિલોમીટર દૂર આવેલી  છાપરી ચેકપોસ્ટ ઉપર રાજસ્થાન તરફથી આવતા વાહનોમાં  કોઈ ભાંગફોડિયા કે અસામાજિક તત્વો ગુજરાતમાં ન પ્રવશે તેને લઇ અંબાજી પોલીસ સતર્ક બની છે. હાલના તબક્કે રાજસ્થાન તરફથી ગુજરાતમાં આવતા તમામ વાહનોને ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. આ ચેકપોસ્ટ ઉપર પોલીસ, હોમગાર્ડ અને અધિકારીઓ સહીત હથિયારી પોલીસ પણ તૈનાત કરવામાં આવી છે. જે નાનામોટા અનેક વાહનોની તપાસ કરી રહ્યા છે.

જોકે હાલ તબક્કે પોલીસે હાથ ધરેલી આ તપાસ ઝુંબેશમાં કોઈપણ જાતની મોટી રકમ કે લિકરનો જથ્થો ઝડપાયો નથી. પોલીસ હાલ તબક્કે રાઉન્ડ ધ ક્લોક 24 કલાક પોતાની ફરજ બજાવી રહી છે. કોઈપણ વ્યક્તિ 50 હજારથી વધુ રોકડ રકમ લઈ આ બોર્ડર ક્રોસ કરી શકશે નહિ. જો કોઈની પાસે મોટી રકમ મળી આવે તો તેને તમામ પ્રકારના આધાર પુરાવા રજૂ કરવાના રહેશે.

સૂત્રોએ ઉમેર્યુ હતું કે, જિલ્લા કલેક્ટર તેમજ એસપીએ પણ ગુજરાત રાજસ્થાન સરહદ પર સઘન વોચ રાખવાની સુચના આપી છે. તેથી પોલીસ દ્વારા તમામ વાહનોના લગેજને પણ ચેક કરવામાં આવી રહ્યો છે.