Site icon Revoi.in

RTE એક્ટ: રાજ્યમાં બીજા રાઉન્ડમાં વધુ 4966 બાળકોને પ્રવેશ અપાયો

Social Share

અમદાવાદઃ RTE એક્ટ- 2009 પ્રવેશ પ્રક્રિયાનો બીજો રાઉન્ડ આજે જાહેર કરવામાં આવ્યો છે. જેમાં વધુ 4966 જેટલા બાળકોને પ્રવેશ અપાયો છે. બીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓએ તા.6મી જૂન, સોમવાર સુધીમાં સંબંધિત શાળામાં શાળા સમય દરમિયાન રૂબરૂ જઈ જરૂરી આધાર પુરાવા જમા કરાવી પ્રવેશ સુનિશ્ચિત કરાવી લેવાનો રહેશે.

રાજ્ય સરકારનાં પ્રયાસોથી વાલીઓમાં જાગૃતિ આવતા શૈક્ષણિક વર્ષ 2023-24 રાજ્યની કુલ 9833 જેટલી બિન-અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં જુદા-જુદા માધ્યમમાં કુલ 82853 જેટલી જગ્યાઓ RTE એક્ટ હેઠળ ઉપલબ્ધ હતી. જે પૈકી વિધાર્થીઓની પસંદગી અને 6 કિમીની ત્રિજ્યાના વિસ્તારમાં ઉપલબ્ધ શાળાઓમાં નિયમોને ધ્યાનમાં લઇ પ્રથમ રાઉન્ડમાં 54903 જેટલા વિધાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો છે. જેમાંથી નિયત સમયમર્યાદામાં 48890 જેટલા વિદ્યાર્થીઓએ જે-તે શાળામાં રૂબરૂ જઇ પ્રવેશ નિયત કરાવ્યો હતો. પ્રથમ રાઉન્ડમાં નિયત થયેલ પ્રવેશો પૈકી 1130 જેટલા બાળકો અગાઉના શૈક્ષણિક વર્ષમાં ધો-1/ધો-2માં અભ્યાસ કરેલ હોય તેમ જ અન્ય કારણોસર નિયમાનુસાર જિલ્લા કક્ષાએથી RTE હેઠળ પ્રવેશો રદ કરવામાં આવ્યાં છે.

RTE એક્ટ હેઠળ ઉપલબ્ધ જગ્યાઓ પૈકી બીજા રાઉન્ડની પ્રવેશ ફાળવણી બાદ અરજદારોની પસંદગીના અભાવે સમગ્ર રાજ્યમાં 30127  જેટલી જગ્યાઓ ખાલી રહી છે. જેમાં ગુજરાતી માધ્યમની 14546, અંગ્રેજી માધ્યમની 12466, હિન્દી માધ્યમની 2828 તથા અન્ય માધ્યમની 287 જગ્યાઓનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે, RTE ACT-2009ની કલમ અન્વયે બિન-અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25 ટકા લેખે ધોરણ-1માં નબળા અને વંચિત જૂથનાં બાળકોને પ્રવેશ આપવા માટે ગુજરાત રાજ્ય દ્વારા સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. જેના ભાગરૂપે પ્રથમ રાઉન્ડની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ખાલી રહેલી 33907 જગ્યાઓ પર વધુને વધુ નબળા અને વંચિત જૂથના બાળકોને RTE હેઠળ પ્રવેશનો લાભ મળી રહે તે હેતુથી પ્રથમ રાઉન્ડમાં પ્રવેશથી વંચિત રહેલા અને માન્ય અરજી ધરાવતા 13299 અરજદારોને શાળાઓની પુનઃ પસંદગીની તક  આપવામાં આવી હતી.