Site icon Revoi.in

રાજકોટમાં RTO ટ્રેક બે દિવસથી બંધ, લાયસન્સ માટે આવેલા 800 અરજદારો મુશ્કેલીમાં મુકાયા

Social Share

રાજકોટઃ શહેરની આરટીઓ કચેરીમાં ડ્રાઈવિંગ ટેસ્ટ માટેનો ટ્રેક છેલ્લા બે દિવસથી બંધ હોવાથી લાયસન્સ માટે આવતા અરજદારો મુશ્કેલીમાં મુકાયા છે. આરટીઓમાં રોજ 400 જેટલા અરજદારો ડ્રાઈવિંગ લાયસન્સ મેળવવા માટે આવતા હોય છે. એટલે બે દિવસથી ડ્રાઈવિંગ ટેસ્ટ માટેનો ટ્રેક બંધ પડતા 800 જેટલા અરજદારોને પરત ફરવાની ફરજ પડી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ RTOના ટ્રેકના મેઇન્ટેનન્સ માટેનો કોન્ટ્રાક્ટ 6 વર્ષથી રીન્યુ કરવામાં આવ્યો નથી.તેથી ટેકનીકલ ક્ષતિ સર્જાતા  વારંવાર ટ્રેક બંધ કરવો પડે છે. આ અંગે ઈન્ચાર્જ ARTOના કહેવા મુજબ રાજકોટ RTO કચેરીનો ટ્રેક શુક્રવારથી બંધ છે. દરરોજ અહીં ટુ-વ્હીલર, ફોર વ્હીલર ઉપરાંત રિક્ષા, ટ્રક સહિતનાં 400 જેટલાં વાહન ધારકો લાયસન્સ કઢાવવા માટે ટેસ્ટ આપવા માટે આવતા હોય છે. છેલ્લા બે દિવસછી ટ્રેક બંધ રહેતા 800 જેટલા વાહન ધારકો લાયસન્સ કઢાવવા માટેની ટ્રાય આપી શક્યા નથી. જોકે વાહન ચાલકોની આ મુશ્કેલીને ધ્યાનમાં રાખીને હાલ સોફ્ટવેર અપડેટ કરવામાં આવ્યું છે. વર્ષ 2017માં RTO ટ્રેકના ટેક્નિકલ મેઇન્ટેનન્સ માટેનો કોન્ટ્રાક્ટ હતો. જે બાદમાં રીન્યુ થયો નથી અને ટેક્નિકલ વ્યક્તિ ન હોવાથી RTOના ટ્રાય માટેના ટ્રેકનું મેઇન્ટેનન્સ થઈ શકતું નથી.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે,  ગુજરાતમાં તમામ RTO કચેરીઓમાં ડ્રાઈવિંગ ટેસ્ટ માટેના ટ્રેકમાં અવર-નવાર ક્ષતિ સર્જાતી હોય છે. 6 વર્ષ સુધી રાજ્યની રોડ ટ્રાન્સપોર્ટ ઓફિસની વડી કચેરી દ્વારા ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવતી નથી અને તેને લીધે લાયસન્સની ટ્રાય માટેનો કોન્ટ્રાક્ટ રીન્યુ થઈ શક્યો નથી.