Site icon Revoi.in

રૂપાલાને મળ્યું પાટિદારોનું સમર્થન, ક્ષત્રિય સમાજની કોર કમિટીની બેઠકમાં માલધારી સમાજે આપ્યો ટેકો

Social Share

અમદાવાદઃ  રાજકોટ લોકસભાની ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદન બાદ વિરોધ થતાં રૂપાલાએ ત્રણ વખત ક્ષત્રિય સમાજની માફી માગી છે. છતાં ક્ષત્રિય સમાજમાં રોષ હજુ શમ્યો નથી. અને રૂપાલાને ઉમેદવાર તરીકે હટાવવાની માગણી કરવામાં આવી રહી છે.  ત્યારે રૂપાલાના સમર્થનમાં હવે પાટીદારો મેદાને આવ્યા છે. રાજકોટમાં પાટીદારની મુખ્ય સંસ્થાઓના ટ્રસ્ટીઓ અને નેતાઓની બેઠકનું આયોજન કર્યું હોવાની અટકળો ચાલી હતી. આ ઘટનાક્રમ વચ્ચે રાજપૂત સમાજની મુખ્ય કોર કમિટીના આગેવાનોની ગોતા રાજપૂત સમાજ ભવન ખાતે આગામી કાર્યક્રમોને લઈને મિટિંગ યોજાઈ હતી. રૂપાલા દ્વારા કરાયેલા વિવાદાસ્પદ નિવેદન મામલે ક્ષત્રિય સમાજના સમર્થનમાં હવે વિવિધ સમાજો પણ આવ્યા છે. ગોતા રાજપૂત ભવન ખાતે  યોજાયેલી ક્ષત્રિય સમાજની કોર કમિટીની બેઠકમાં માલધારી સમાજના આગેવાનો પણ સમર્થન આપવા માટે પહોંચ્યા હતા.

રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ એક સભામાં કરેલા ઉચ્ચારણો સામે ક્ષત્રિય સમાજ રોષે ભરાયો છે. અને રૂપાલાને ઉમેદવાર તરીકે હટાવવાની માગ કરી રહ્યા છે. રૂપાલાએ ત્રણ વાર માફી માફી માગી છે. પણ ક્ષત્રિય સમાજ રૂપાલાને માફ કરવાના મુડમાં નથી. ત્યારે પાટિદારો રૂપાલાના સમર્થનમાં આવી રહ્યા છે. ત્યારે રાજપૂત સમાજની કોર કમિટીના આગેવાન કરણસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, અમે કોઈ સમાજ સામે નથી. ખોડલધામ, સરદાર ધામ, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, ઉંઝા ઉમિયા સંસ્થાન અને જે પણ પાટીદાર સંસ્થાઓ છે તેમને વિનંતિ કરીએ છીએ કે, જ્યારથી વિવાદ શરૂ થયો, ત્યારથી એક જ વાત કરી છે કે, ક્ષત્રિય સમાજ કોઈપણ સમાજની સામે નથી. પાટીદાર સમાજની પણ સામે નથી, કોઈ પક્ષની સામે નથી. અમારો વિરોધ ફક્તને ફક્ત ભાજપના રાજકોટ લોકસભા સીટના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા સામે છે. અમે પાટીદાર સમાજને વિનંતિ કરીએ છીએ કે, કોઈ ગેરસમજ ઉભી કરી સમાજ સમાજ વચ્ચે વિઘટન ન કરશો. વિરોધની જે વાત ચાલી રહી છે તેની સામે પાટીદાર સમાજની કોઈપણ સંસ્થાને કોઈ લેવા દેવા નથી.

તેમણે વધુમાં જણાવ્યું કે, માલધારી સમાજે અમને ટેકો આપ્યો હતો. માલધારી સેલના નાગજી દેસાઈ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં સુરેન્દ્રનગર જિલ્લાના ગરાસિયા સમાજના નેતાઓ પણ હાજર રહ્યાં હતા. સવારે નાડોદા અને કારડિયા સમાજના આગેવાનો સાથે પણ બેઠક થઈ છે. માત્ર એટલું જ નહીં, વૈષ્ણવ સંપ્રદાયોના વડીલોએ પણ ટેકો જાહેર કર્યો છે અને ધીમે ધીમે તમામ સમાજોનું સમર્થન મળી રહ્યું છે.હાલ સોશિયલ મીડિયામાં IT સેલ એક્ટિવ થયુ છે. અમારો વિરોધ કોઈ સમાજ, પક્ષ કે જૂથ સામે નથી. અમારો વિરોધ માત્ર બીજેપીના રાજકોટના ઉમેદવાર રૂપાલા સામે જ છે. અમે ખોડલધામ, સિદ્દસર, વિશ્વ ઉમિયાધામને વિનંતી કરીએ છીએ કે અમારો વિરોધ કોઈ સમાજ સામે નથી, જેથી કોઈ ગેરસમજ ઉભી ન થાય.

 

ક્ષત્રિય સમાજના આગેવાન રમજુભા જાડેજાએ જણાવ્યું કે,  કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણા પણ ગુજરાત આવશે. તેઓ 22 રાજ્યમાં આ ચળવળ લઈ જવાની રણનીતિ બનાવવા માટે ગુજરાત આવી રહ્યા છે. તેની સાથે સાથે આવતીકાલે તમામ રાજવીઓ પણ આવશે. ઉત્તેલિયાનાં યુવરાજ સાહેબ જવાબદારી લઈ રહ્યા છે. સ્ટ્રેટ્રેજી ઘડવા માટે બેઠક થશે.