Site icon Revoi.in

શાંતિ બેઠક પહેલા જ કિવ પર રશિયાનો પ્રચંડ મિસાઈલ હુમલો

Social Share

કિવ, 27 ડિસેમ્બર 2025: રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા ચાર વર્ષથી ચાલી રહેલો સંઘર્ષ હવે વિનાશક વળાંક પર પહોંચ્યો છે. એક તરફ રવિવારે ફ્લોરિડામાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કી વચ્ચે મહત્ત્વની શાંતિ બેઠક યોજાવા જઈ રહી છે, ત્યારે બીજી તરફ રશિયાએ 27 ડિસેમ્બરની રાત્રે યુક્રેનની રાજધાની કિવ પર અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન અને મિસાઈલ હુમલો કરી શાંતિ વાર્તાના સંકેતોને ફગાવી દીધા છે.

આ પણ વાંચોઃ મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવોઃ ઠાકરે બંધુ બાદ પવાર પરિવાર એક થયો

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રશિયાએ કિવ પર કિંઝલ હાઈપરસોનિક મિસાઈલ, ચાર ઈસ્કેન્ડર બેલેસ્ટિક મિસાઈલો અને અનેક કાલિબ્ર ક્રૂઝ મિસાઈલો છોડી હતી. આ આકાશી હુમલાને કારણે કિવ અને આસપાસના વિસ્તારો પ્રચંડ વિસ્ફોટોથી ગાજી ઉઠ્યા હતા. કિવથી 20 કિમી દૂર આવેલા બ્રાવરી શહેરમાં વીજળી ગુલ થઈ ગઈ છે. કિવના મેયર વિટાલી ક્લિચકોએ નાગરિકોને સુરક્ષિત આશ્રયસ્થાનોમાં રહેવાની અને એરફોર્સે સતર્ક રહેવાની કડક ચેતવણી આપી છે.

આ હુમલો એવા સમયે થયો છે જ્યારે શાંતિની આશા જાગી હતી. રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે, અમેરિકા સાથે મળીને તૈયાર કરાયેલો 20-પોઈન્ટનો શાંતિ પ્લાન લગભગ 90 ટકા તૈયાર છે. જોકે, ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે કોઈ પણ શાંતિ કરાર તેમની મંજૂરી વિના અમલમાં આવશે નહીં. રવિવારની આ બેઠક પર આખા વિશ્વની નજર છે, જેમાં યુક્રેનની સુરક્ષા અને સહયોગીઓની ભૂમિકા મુખ્ય એજન્ડા રહેશે.

બીજી તરફ, રશિયાના રક્ષા મંત્રાલયે આક્રમક વલણ અપનાવતા જણાવ્યું છે કે તેમના દળોએ દક્ષિણ યુક્રેનમાં આગળ વધવાનું ચાલુ રાખ્યું છે અને ઝાપોરિઝ્ઝિયા પ્રદેશના કોસોવત્સેવો કસબા પર કબજો જમાવી લીધો છે. રશિયાના મતે, 20 થી 26 ડિસેમ્બર વચ્ચે કરવામાં આવેલા આ હુમલાઓ યુક્રેન દ્વારા રશિયાના નાગરિક વિસ્તારો પર કરાયેલા હુમલાનો જવાબ છે. રશિયાનો ઉદ્દેશ્ય યુક્રેનના સંરક્ષણ ઉદ્યોગ, ઊર્જા સુવિધાઓ, એરપોર્ટ અને બંદરોને તોડી પાડવાનો છે.

આ પણ વાંચોઃ બાંગ્લાદેશમાં લઘુમતીઓ વિરુદ્ધ સતત થઈ રહેલી હિંસા મુદ્દે ભારતે વ્યક્ત કરી ચિંતા

Exit mobile version