Site icon Revoi.in

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આગામી તા. 8મી જુલાઇથી 65 હજાર વિદ્યાર્થીની ઓફલાઇન પરીક્ષા લેવાશે

Social Share

રાજકોટઃ રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થતા હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ઓફલાઈન પરીક્ષા યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.. આ અંગે કુલપતિ નીતિન પેથાણીએ જણાવ્યું હતું કે, આગમી 8 જુલાઇથી સ્નાતક, અનુસ્નાતકની રેગ્યુલર અને એક્સટર્નલ વિદ્યાર્થીની ઓફલાઇન પરીક્ષા લેવામાં આવશે. જેમાં અંદાજીત 65000 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ઉલ્લેખનીય છે કે, યુનિવર્સિટી ખાતે આજે સિન્ડિકેટની મહત્વ બેઠક મળવા જઇ રહી છે. જેમાં અલગ અલગ 17 એજન્ડા અંગે નિર્ણય લેવામાં આવનાર છે. જે પૈકી કેટલાક અગત્યના મુદ્દાઓ છે જેને લઇ સિન્ડિકેટની બેઠકમાં ગરમા ગરમીના એંધાણ જોવા મળી રહ્યા છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ વધુમાં જણાવ્યું હતું કે, પરીક્ષા સમયે કોઈ સંક્રમિત ન થાય તે માટે પરીક્ષા કેન્દ્ર પર દરેક વિદ્યાર્થીઓને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે પ્રવેશ અપાશે. કેન્દ્ર પર વિદ્યાર્થીઓને માસ્ક પહેર્યા વિના પ્રવેશ નહીં મળે, પરીક્ષા કેન્દ્રમાં વિદ્યાર્થીનું થર્મલ સ્ક્રિનિંગ અને સેનિટાઈઝ કરાશે. એક બેંચમાં એક જ વિદ્યાર્થી બેસાડાશે. બે વિદ્યાર્થી વચ્ચે ડિસ્ટન્સ જળવાશે, સુપરવાઈઝર પણ માસ્ક અને ગ્લોઝ પહેરીને કામગીરી કરશે. આજે સિન્ડિકેટની બેઠક મળી હતી.. જેમાં  બીએડ, એમ.એડ.પ્રવેશ સમિતિ વિખેરી નાખવા, સિવિલ ઇજનેરની કામ ચલાઉ નિમણુંકને બહાલી, કોરોનામાં માતા-પિતા ગુમાવનારા વિદ્યાર્થીઓની ફી માફ કરવા, દારૂની ખાલી બોટલ સાથેની તસવીર પ્રકરણમાં પરીક્ષા વિભાગના અધિકારીને સસ્પેન્ડ કરવા સહિતના મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી. તેમજ હોમિયોપેથિક વિદ્યાશાખાના સભ્યોનું મહેનતાણું વધારવા, એક્ઝામિનેશન ડિફોલ્ટ ઈન્કવાયરી કમિટીમાં સભ્યોની નિયુક્તિ કરવી સહિતના 17 મુદ્દાઓ પર વિચારણા કરવામાં આવી હતી.