Site icon Revoi.in

બનાસકાંઠા જિલ્લા સહકારી બેંકના નવા ચેરમેન તરીકે સવસી ચૌધરી બિનહરીફ ચૂંટાયા

Social Share

પાલનપુરઃ જિલ્લાની પ્રતિષ્ઠિત ગણાતી ધી બનાસકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના ચેરમેન અણદાભાઇ પટેલે 1 એપ્રિલના રોજ પક્ષના આદેશથી ખૂબજ ટૂંકા ગાળામાં વિવાદો વચ્ચે રાજીનામું આપી દીધા બાદ ચેરમેનની ખાલી પડેલી જગ્યા પરનો ચાર્જ વાઇસ ચેરમેન પીરાજી ઠાકોરને સોંપવામાં આવ્યો હતો. ત્યારબાદ બનાસ બેન્કના ચેરમેનપદ માટેની ચૂંટણી  મંગળવારે બપોરે 12 વાગે યોજાઇ હતી, જેમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સવસીભાઈ ચૌધરીને ભાજપ પક્ષ દ્વારા મેન્ડેટ અપાયો હતો અને બનાસ બેંકના ચેરમેન તરીકે સવસીભાઈ ચૌધરી બિનહરીફ ચૂંટાયા હતા.

સૂત્રોના જણાવ્યા મુજબ સરહદી બનાસકાંઠા જિલ્લાની અગ્રણી સહકારી બેંક ધી બનાસકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક કે જે બનાસ બેંકના હુલામણા નામથી ઓળખાય છે. બનાસ બેંકના ચેરમેન અણદાભાઈ પટેલે ગત તા. 1 એપ્રિલના રોજ પક્ષના આદેશથી ખૂબજ ટૂંકા ગાળામાં વિવાદો વચ્ચે રાજીનામું આપી દીધું હતું. ત્યાર બાદ ચેરમેનની ખાલી પડેલી જગ્યાનો ચાર્જ વાઇસ ચેરમેન પીરાજી ઠાકોરને સોંપવામાં આવ્યો હતો. અને ચેરમેન પદની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી. આમ તો ભાજપની બહુમતી હોવાથી પ્રદેશ નેતાઓ ઈચ્છે તેને જ ચેરમેન શકાય તેમ હોવાથી જિલ્લાના અનેક સહકારી આગેવાનોએ ચેરમેનપદ મેળવવા માટે લોબીંગ શરૂ કર્યું હતું. દરમિયાન ભાજપ દ્વારા બંધ કવરમાં મેન્ડટ આપવામાં આવ્યો હતો.  બનાસ બેંકના ચેરમેનપદ માટેની ચૂંટણી મંગળવારે બપોરે 12 વાગે પાલનપુર પ્રાંત કચેરીએ પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં યોજાઇ હતી. જેમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સવસીભાઈ ચૌધરીને મેન્ડેટ અપાયો હતો અને બનાસ બેંકના ચેરમેન તરીકે સવસીભાઈ ચૌધરી બિનહરીફ ચૂંટાયા હતા. નોંધનીય છે કે બનાસ બેન્કના ચેરમેનપદ માટે શૈલેષભાઈ પટેલ, ડાહ્યાભાઈ પીલીયાત્ર, સવસીભાઇ ચૌધરી સહિતના અનેક ડાયરેક્ટરો મેદાનમાં હતા. (file photo)