Site icon Revoi.in

યુક્રેન-રશિયા વચ્ચેના યુદ્ધમાં નરસંહારના દ્રશ્યો સામે આવ્યા, બુચામાં 400થી વધારે મૃતદેહ મળ્યાં

Social Share

નવી દિલ્હીઃ રશિયા-યુક્રેન વચ્ચે સતત 40 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ ભીષણ યુદ્ધની બર્બરતા હવે એક પછી એક દુનિયા સામે આવી રહી છે. યુક્રેનની રાજધાની કિવને અડીને આવેલા બુચા વિસ્તારને ફરીથી કબજે કરવામાં આવ્યો છે અને અહીંથી 410 મૃતદેહો મળી આવ્યા છે.

યુક્રેનનો આરોપ છે કે રશિયન સેનાના ચેચન લડવૈયાઓએ બુચામાં “નરસંહાર” કર્યો હતો. સ્થિતિ એ હતી કે જ્યારે યુક્રેનની સેના ઘણા દિવસો પછી આ વિસ્તારમાં ફરી પ્રવેશી તો તેણે રસ્તા પર દરેક જગ્યાએ મૃતદેહો જોયા. આ મૃતદેહોના હાથ પાછળથી બાંધેલા હતા, જેના કારણે એવું માનવામાં આવે છે કે તેમને ટોર્ચર કરીને ગોળી મારી દેવામાં આવી હતી. રશિયાએ આ આરોપોને નકારી કાઢ્યા છે. બૂચામાં એટલા બધા મૃતદેહો મળી રહ્યા છે કે તેમને દાટવા માટે 45 ફૂટ લાંબો ખાડો ખોદવો પડ્યો. બૂચામાં ઘણી મહિલાઓના મૃતદેહ મળી આવ્યા છે, જેના કારણે તેમની સાથે ક્રૂરતાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીના એક સહાયકે જણાવ્યું હતું કે, યુક્રેનની સેનાને બળાત્કારનો ભોગ બનેલી મહિલાઓના મૃતદેહ મળી આવ્યા છે. તેમણે કહ્યું કે બુચામાંથી મળેલા મૃતદેહો પર ત્રાસના નિશાન મળી આવ્યા છે. તેના હાથ પાછળ બાંધેલા હતા. તેને પાછળથી ગોળી વાગી હતી. ઝેલેન્સકીના પ્રવક્તાએ કહ્યું કે તે યુદ્ધના ગુના જેવું લાગે છે.

યુરોપના વરિષ્ઠ અધિકારીઓએ પણ રશિયાના સંભવિત યુદ્ધ અપરાધોની તપાસની માંગ કરી છે. યુરોપિયન યુનિયનના વિદેશ નીતિના વડા જોસેફ બોરેલે કહ્યું, “રશિયન સૈન્ય દ્વારા કરવામાં આવેલી નિર્દયતાથી હું ચોંકી ગયો છું. યુરોપિયન યુનિયન યુક્રેનને યુદ્ધ અપરાધોના દસ્તાવેજીકરણમાં મદદ કરશે જેથી રશિયા પર ઇન્ટરનેશનલ કોર્ટ ઑફ જસ્ટિસમાં કેસ ચલાવી શકાય. રશિયાએ બુચામાં ક્રૂરતાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે, તેણે કોઈ નાગરિકોને માર્યા નથી. યુક્રેનનું કહેવું છે કે રશિયન સેનાએ બુચાથી પીછેહઠ કરતા પહેલા જ આ હત્યાઓ કરી હતી. બુચામાં હજુ પણ ઘણા મૃતદેહો રસ્તામાં પડ્યા છે.