Site icon Revoi.in

જમ્મુ કાશ્મીરમાં કોરોનાની ગાઇડ લાઈન મુજબ 1 ફેબ્રુઆરીથી શાળાઓ ખુલશે

Social Share

શ્રીનગર: કોરોનાને કારણે સમગ્ર વિશ્વમાં લોકડાઉન લગાવવામાં આવ્યું હતું. ગત વર્ષે માર્ચમાં શાળાઓ બંધ કરવામાં આવી હતી. જો કે, વિદ્યાર્થીઓએ ઓનલાઇન વર્ગો દ્વારા અભ્યાસ શરૂ રાખ્યો હતો. કોરોનાના કેસમાં ઘટાડો થતા રાજ્યમાં ધીમે-ધીમે શાળાઓ ફરીથી શરૂ થઇ રહી છે. ત્યારે હવે જમ્મુ-કાશ્મીરમાં 11 મહિના બાદ 1 ફેબ્રુઆરીથી તમામ ખાનગી અને સરકારી શાળાઓ ફરીથી ખોલવામાં આવશે. જમ્મુ-કાશ્મીર સ્કૂલ એજ્યુકેશન બોર્ડે શુક્રવારે તેની માહિતી આપી હતી.

પ્રથમ તબક્કામાં 1 ફેબ્રુઆરીથી જમ્મુ વિભાગના સમર ઝોનની શાળાઓમાં 9 થી 12 સુધીના વર્ગ શરૂ કરવામાં આવશે. બીજા તબક્કામાં 1 થી 8 સુધીના વર્ગ 8 ફેબ્રુઆરીથી શરૂ થશે. આ હુકમ સરકારી અને ખાનગી બંને શૈક્ષણિક સંસ્થાઓને લાગુ પડશે. શાળાઓ ખોલવામાં કોરોના માર્ગદર્શિકાનું સંપૂર્ણ પાલન કરવામાં આવશે.

શિક્ષણ વિભાગના વહીવટી સચિવ બી.કે.સિંહ દ્વારા જારી કરાયેલા આદેશમાં શાળાઓને નિયમિત ધોરણે વિદ્યાર્થીઓ માટે કોરોના સંબંધિત વાદ-વિવાદ સ્પર્ધા યોજવા સૂચના આપવામાં આવી છે. બીમાર વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે એક અલગ કલાસ હોવો જોઈએ. નિયામક શાખા શિક્ષણ વિભાગ જમ્મુ દ્વારા 24 કલાક કાઉન્સલિંગની સુવિધા આપવામાં આવશે. શાળાઓની અંદર કોઈ બહારના લોકોને પરવાનગી આપવામાં આવશે નહીં.

જમ્મુ-કાશ્મીરમાં શુક્રવારે કોરોના વાયરસ સંક્રમણના 88 નવા કેસો પછી રાજ્યમાં અત્યાર સુધીમાં સંક્રમણના કુલ 1,23,852 કેસ નોંધાયા છે. તો, તે જ સમયગાળામાં વધુ ચાર દર્દીઓના મોત સાથે આ જીવલેણ વાયરસથી 1,928 લોકોએ જીવ ગુમાવ્યો છે. અધિકારીઓએ જણાવ્યું કે, નવા કેસોમાંથી 42 જમ્મુ વિભાગ અને 46 કાશ્મીર વિભાગમાં નોંધાયા છે.

-દેવાંશી