Site icon Revoi.in

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં એન્કાઉન્ટર,સુરક્ષા દળોએ એક આતંકવાદીને ઠાર માર્યો 

Social Share

શ્રીનગર:જમ્મુ-કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર સુરક્ષા દળો એલર્ટ પર છે, જ્યારે આતંકવાદીઓ માથું ઉંચકવાની કોશિશ કરતા જોવા મળે છે.આતંકવાદીઓ દ્વારા નાગરિકોની હત્યા કરીને આતંક ફેલાવવાના પ્રયાસો વચ્ચે કાશ્મીર ખીણમાં એન્કાઉન્ટરની ઘટનાઓ પણ સામે આવી રહી છે.રવિવારે મોડી રાત્રે દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના ચટપુરા વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી.

આ અથડામણમાં સુરક્ષા દળોએ એક આતંકીને ઠાર કર્યો છે.મળતી માહિતી મુજબ, પોલીસ અને સુરક્ષા દળોની ટીમ રવિવારે મોડી સાંજે પેટ્રોલિંગ પર નીકળી હતી.આ દરમિયાન આતંકીઓએ સુરક્ષાદળો પર ગોળીબાર કર્યો હતો.આ ઘટના પુલવામા જિલ્લાના ચટપુરા વિસ્તારમાં બની હતી.સુરક્ષા દળોએ વિસ્તારમાં ઘેરાબંધી કરીને જવાબી કાર્યવાહી શરૂ કરી હતી.

સુરક્ષા દળોની જવાબી કાર્યવાહીમાં એક આતંકવાદી માર્યો ગયો હતો.માર્યા ગયેલા આતંકવાદી વિશે હજુ વધુ માહિતી સામે આવી નથી.એક આતંકીને ઠાર કર્યા બાદ સુરક્ષા દળોએ ચટપુરામાં સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.સુરક્ષા દળોનું માનવું છે કે ચટપુરા વિસ્તારમાં વધુ આતંકવાદીઓ છુપાયેલા હોઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે, કાશ્મીરમાં એક જ દિવસમાં આતંકવાદીઓ સાથે અથડામણની આ ત્રીજી ઘટના છે.પુલવામાના ચટપુરા પહેલા એન્કાઉન્ટરની વધુ બે ઘટનાઓ બની હતી. કુપવાડા અને કુલગામમાં એન્કાઉન્ટરની ઘટનાઓમાં કુલ ચાર આતંકવાદીઓ માર્યા ગયા હતા.ભૂતકાળમાં આતંકવાદીઓએ એક પછી એક અનેક નાગરિકોને નિશાન બનાવ્યા હતા.