દિલ્હીઃ દેશમાં રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન સહિતના મહાનુભાવોને ઝેડ પ્લસ, ઝેડ અને વાય શ્રેણી હેઠળ સુરક્ષા પુરી પાડવામાં આવે છે. દેશમાં લગભગ 230 લોકોને સીઆરપીએફ-સીઆઈએસએફ જેવી કેન્દ્રીય અર્ધ સૈનિક દળો દ્વારા સુરક્ષા પુરી પાડવામાં આવે છે. જેમાં 40 જેટલા મહાનુભાવોને ઝેડ પ્લસ સુરક્ષા પુરી પાડવામાં આવે છે.
કેન્દ્રીય ગૃહ રાજયમંત્રી જી.કીસન રેડ્ડીએ લોકસભામાં જણાવ્યું હતું કે સુરક્ષા મેળવતા લોકોની કેન્દ્રીય યાદીમાં સામેલ વ્યક્તિઓના સક્ષમ જોમ અંગે કેન્દ્રીય એજન્સીઓની સમીક્ષાના આધારે તેમને સુરક્ષા આપવામાં આવે છે. તેના આધારે સુરક્ષા કવર ચાલુ રાખવા, પાછું ખેંચવા કે સંશોધીત કરવાનો નિર્ણય લેવાય છે. વર્તમાનમાં કેન્દ્રીય યાદીમાં એવા 40 લોકો સામેલ છે, જેને ઝેડ પ્લસ કેટેગરીની સુરક્ષા પ્રદાન કરવામાં આવી રહી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હાલમાં 230 લોકોના નામ આ કેન્દ્રીય યાદીમાં છે. સામાન્ય રીતે આ લોકોની સુરક્ષા પર થનારો ખર્ચ સરકાર દ્વારા વહન કરવામાં આવે છે.