અમદાવાદઃ શહેરના સરદાર પટેલ એરપોર્ટ પરના ડોમેસ્ટિક ટર્મિનલ T-1 પર સેલ્ફ-બેગેજ ડ્રોપ (SBD) સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ સુવિધાથી પ્રવાસીઓ ઓટોમેટેડ સિસ્ટમની મદદથી ચેક-ઈન પ્રક્રિયા પૂર્ણ કરી શકશે. આ નવીન સુવિધાથી અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોની બેગેજ ડ્રોપ-ઓફ પ્રક્રિયા વધુ સુદૃઢ થશે.
અમદાવાદના સરદાર પટેલ એરપોર્ટ પર પ્રવાસીઓની સુવિધામાં વધારો કરવામાં આવી રહ્યો છે. તાજેતરમાં ઈમિગ્રેશન કાઉન્ટરમાં વધારો કરાયા બાદ હવે ડોમેસ્ટિક ટર્મિનલ T-1 પર સેલ્ફ-બેગેજ ડ્રોપ (SBD) સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ સુવિધાથી બેગેજ ડ્રોપ-ઓફના વેઈટિંગમાં ઘટાડો થશે. માત્ર પ્રતિ મિનિટે ત્રણ જેટલા મુસાફરોને સગવડ પૂરી પાડવાની સાથે ઝડપી અને ઝંઝટ-મુક્ત ચેક-ઇનનો અનુભવ થઇ શકે તે રીતે કાર્ય કરશે.
અમદાવાદ એરપોર્ટે ડોમેસ્ટિક ટર્મિનલ T-1 પર બે સેલ્ફ-બેગેજ ડ્રોપ મશીન કાર્યરત કરાયા છે, જેનાથી મુસાફરો ઓટોમેટેડ સિસ્ટમની મદદથી ચેક-ઈન પ્રક્રિયા પૂર્ણ કરી શકશે. સેલ્ફ-બેગેજ ડ્રોપ સેવાનો ઉપયોગ કરતા પહેલા મુસાફરોએ સેલ્ફ-ચેક-ઇન કિઓસ્ક પર તેમના બોર્ડિંગ પાસ અને બેગેજ ટેગ જનરેટ કરવાના રહેશે. ચેક-ઇન સામાનને ટેગ કર્યા પછી મુસાફરો સેલ્ફ-બેગેજ ડ્રોપ સુવિધા પર આગળ વધી શકે છે. જ્યાં તેમના બોર્ડિંગ પાસને સ્કેન કરવામાં આવશે. જો બેગમાં કાંઈ વાંધાજનક સામાન ન હોય તો તે આપોઆપ સોર્ટીંગ એરિયામાં સ્થાનાંતરિત થઈ જશે અને મુસાફરના લગેજની રસિદ જનરેટ થશે.
હાલમાં ઈન્ડિગો એરલાઇન્સના મુસાફરો માટે ડોમેસ્ટિક ટર્મિનલ T-1ના ડિપાર્ચર ચેક-ઈન હોલમાં સેલ્ફ-બેગેજ ડ્રોપ સુવિધા ઉપલબ્ધ છે. ટૂંક સમયમાં તે અન્ય એરલાઇન્સમાં પણ લાવવામાં આવે તેવી શક્યતાઓ છે. સેલ્ફ બેગેજ ડ્રોપ સિસ્ટમ એક અત્યાધુનિક ટેક્નોલોજી છે, જે સીમલેસ પેસેન્જર અનુભવને સુનિશ્ચિત કરી સમય બચાવે છે. અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોના અનુભવને સુધારવા માટે અનેક સુવિધાઓ પૂરી પાડવાના પૂરતા પ્રયત્નો કરે છે. સેલ્ફ-બેગેજ ડ્રોપ સુવિધાની શરૂઆત સાથે અમદાવાદ એરપોર્ટ નવીનતા પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.