Site icon Revoi.in

ચૂંટણીના પરિણામ પહેલા રોકાણકારોને બખ્ખા, સેંસેક્સ 2500થી વધારે પોઈન્ટ વધ્યો

Social Share

મુંબઈઃ એક્ઝિટ પોલના અંદાજ બાદ શેરબજારે રેકોર્ડ ઉછાળો નોંધાવ્યો છે. સોમવારે સેન્સેક્સ 2500 પોઈન્ટ્સથી વધુ ઉછળવામાં સફળ રહ્યો હતો. બીજી તરફ નિફ્ટીએ 23250ને પાર કર્યો હતો. બેંક નિફ્ટીએ પ્રથમ વખત 50000નો આંકડો પાર કર્યો હતો. સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે રેકોર્ડ ઉછાળા બાદ સેન્સેક્સ 2,507.47 (3.39%) પોઈન્ટ ઉછળીને 76,468.78 પર પહોંચ્યો હતો. બીજી તરફ, નિફ્ટી 733.21 (3.25%) પોઈન્ટ વધીને 23,263.90ની વિક્રમી સપાટીએ બંધ રહ્યો હતો.

સોમવારે, છેલ્લા પાંચ મહિનામાં એટલે કે ડિસેમ્બર 2023 પછી ડોલર સામે રૂપિયામાં પણ સૌથી મોટો ઉછાળો જોવા મળ્યો હતો. સોમવારે રૂપિયો 28 પૈસા અથવા 0.4% વધીને 83.1425 રૂપિયા પર બંધ થયો હતો. ટ્રેડિંગ સેશન દરમિયાન રૂપિયો 82.9575ના ઉચ્ચ સ્તરે પહોંચ્યો હતો. સોમવારે સેન્સેક્સના 30માંથી 27 શેર લીલા નિશાનમાં બંધ થયા હતા. માત્ર ત્રણ શેર લાલ નિશાનમાં બંધ થયા હતા.

એક્ઝિટ પોલમાં બીજેપીની આગેવાની હેઠળના એનડીએની જંગી જીતની આગાહી કરવામાં આવ્યા બાદ સેન્સેક્સ અને નિફ્ટી 3 ટકાથી વધુની વિક્રમજનક સપાટીએ પહોંચ્યા હતા. 30 શેરો ધરાવતો બોમ્બે સ્ટોક એક્સચેન્જ સેન્સેક્સ 2,507.47 પોઈન્ટ અથવા 3.39 ટકાના વધારા સાથે 76,468.78 પોઈન્ટની નવી ટોચે બંધ થયો હતો.

ટ્રેડિંગ દરમિયાન, સેન્સેક્સ 2,777.58 પોઈન્ટ્સ અથવા 3.75 ટકાના વધારા સાથે 76,738.89 પોઈન્ટની રેકોર્ડ હાઈ પર પહોંચ્યો હતો. બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ 733.20 પોઈન્ટ અથવા 3.25 ટકાના વધારા સાથે 23,263.90 પોઈન્ટ પર બંધ થયો હતો. તે ટ્રેડિંગ દરમિયાન 808 પોઈન્ટ અથવા 3.58 ટકા વધીને 23,338.70ની નવી ઓલ-ટાઇમ હાઈ પર પહોંચ્યો હતો.

Exit mobile version