Site icon Revoi.in

પાલનપુર તાલુકાના ભૂતેડી અને આકેડી ગામમાં પીવાના પાણીની વિકટ સમસ્યા

Social Share

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લામાં ઉનાળો આવતા જ પાણી સમસ્યા સર્જાઈ છે. જેમાં પાલનપુર તાલુકાના કેટલાક ગામોમાં જ પીવાના પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે. પાલનપુરના ભૂતેડી અને આકેડી ગામમાં છેલ્લા કેટલાય દિવસોથી ધરોઈનું પાણી ન મળતા સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. શાળાના બાળકોથી લઇ ગ્રામજનો પીવાના પાણી માટે વલખા મારવા મજબુર બન્યા છે.

બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર હંમેશા પાણીની વિકટ સમસ્યા ભોગવતો આવ્યો છે, પરંતુ હવે ઉનાળાની શરુઆતમાં જ બનાસકાંઠા જિલ્લાના મુખ્યમથક પાલનપુર તાલુકામાં પણ પીવાના પાણીની સમસ્યા ઉદભવી છે. ભુતેડી તેમજ આ આકેડી ગામમાં છેલ્લા કેટલાય દિવસોથી પીવાનું પાણી ન મળતા સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગામમાં આવેલી શાળાઓમાં પણ પાણી ન મળતા વિદ્યાર્થીઓ ઘરેથી પાણીની બોટલો લઈ આવવા મજબુર બન્યા છે. ગ્રામજનો પણ પીવાના પાણી માટે એક ગામથી બીજા ગામ રઝળપાટ કરવા મજબુર બન્યા છે. આ વિસ્તાર છેલ્લા કેટલાય સમયથી સિંચાઇ માટે તો પાણીની સમસ્યા ભોગવી રહ્યો છે જેને લઈ આ વિસ્તારના સ્થાનિકો દ્વારા અવારનવાર આંદોલન પણ કરવામાં આવ્યા છે.  છેલ્લા કેટલાક માસથી આ વિસ્તારમાં પીવા માટે પૂરું પડાતું ધરોઈનું પાણી પણ અપૂરતું મળી રહ્યું છે. જેને લઇ પીવાના પાણી માટે હાહાકાર પોકારી ઉઠેલા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ગામમાં પીવાનું પાણી પૂરું પાડવા સરપંચ દ્વારા ટેન્કર મંગાવાય આવે છે.

આ અંગે આકેડી ગામના સરપંચે જણાવ્યું હતું કે, અમારા ગામમાં પીવાના પાણીની મોટી સમસ્યા છે. અમારા ખર્ચે ટેન્કર લાવીએ છીએ. અમે મહિના પહેલાં 1.32 લાખ રુપિયાનો લોકફાળો ભર્યો હોવા છતાં ટેન્ડર પ્રક્રિયા બાકી છે તેમ કરી બોર માટે રીંગ મોકલી નથી. ઉનાળાની આવી ગરમીમાં લોકો ક્યાં જાય? ટેન્કરથી કેટલા દિવસ પાણી પુરુ પાડી શકાય. ગ્રામજનોના કહેવા મુજબ પાણી વગર બહુ તકલીફ છે, બે-ત્રણ કિ.મી જઇને પીવાનું પાણી લઇ આવીએ છીએ. અમારી માગ છે ગામમાં બોર કરી આપો. જો સરકાર અમારી સમસ્યા ધ્યાને નહીં લે તો અમે આંદોલન કરીશું.(file photo)