Site icon Revoi.in

જમ્મુ-કાશ્મીરમાં પાવર પ્રોજેક્ટ કામદારોને લઈ જતું વાહન ખીણમાં ખાબકતા સાતના મોત

Social Share

નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં પાવર પ્રોજેક્ટ કામદારોને લઈ જતું વાહન રસ્તા પરથી લપસીને ઊંડી ખીણમાં ખાબકતા સાત લોકોનાં મોત થયાં હતાં અને અન્ય બે ઘાયલ થયાં હતાં. ઉચ્ચ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, આ દુર્ઘટના ડાચન વિસ્તારમાં ડાંગદુરુ પાવર પ્રોજેક્ટ સાઇટ પાસે બની હતી. કિશ્તવાડના ડેપ્યુટી કમિશનર દેવાંશ યાદવના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં ભારે વરસાદ વચ્ચે આ અકસ્માત થયો હતો.

કિશ્તવાડના વરિષ્ઠ પોલીસ અધિક્ષક ખલીલ અહમદ પોસવાલે જણાવ્યું હતું કે, “અકસ્માતમાં સાત લોકોના મોત થયાં છે અને અન્ય બે વ્યક્તિઓને ગંભીર ઈજા થઈ હતી.” તેમણે કહ્યું કે બચાવકર્મીઓ અને સ્થાનિક લોકો બંને ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા.

પોલીસના જણાવ્યા અનુસાર, ડ્રાઈવરે વળાંક લેતી વખતે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો અને તે  સો ફૂટ ઊંડી ખીણમાં પડી ગયું હતું. અધિકારીઓએ જણાવ્યું કે ખીણમાં પડી જવાને કારણે વાહન સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગયું હતું અને તેમાં સવાર છ લોકોનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે અન્ય એકનું હોસ્પિટલ લઈ જતા રસ્તામાં મોત થયું હતું.

અકસ્માતને દુર્ભાગ્યપૂર્ણ ગણાવતા કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે પીડિત પરિવારોને તમામ શક્ય મદદની ખાતરી આપી હતી. તેમણે ટ્વીટ કર્યું, “ડાંગદુરુ પ્રોજેક્ટ સાઇટ પર માર્ગ અકસ્માત વિશે કિશ્તવાડના ડેપ્યુટી કમિશનર ડૉ. દેવાંશ યાદવ સાથે વાત કરી છે. ઘાયલોને જરૂરિયાત મુજબ જિલ્લા હોસ્પિટલ કિશ્તવાડ અથવા જીએમસી ડોડામાં ખસેડવામાં આવી રહ્યા છે. જરૂરિયાત મુજબ તમામ શક્ય મદદ પૂરી પાડવામાં આવશે.”