Site icon Revoi.in

અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના દિને શાળાઓમાં રજા રાખવા શૈક્ષિક સંઘે CMને લખ્યો પત્ર

Social Share

અમદાવાદઃ અયોધ્યામાં રામલલ્લા મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ધૂમ તૈયારીઓ ચાલી રહી છે. આગામી તા. 22 જાન્યુઆરી 2024ને સોમવારના દિવસે યોજાનાર રામલલ્લા મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે ગુજરાતની તમામ પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક બંધ રાખી રજા આપવા તેમજ તે સપ્તાહ દરમિયાન વિવિધ કાર્યક્રમ, સ્પર્ધાઓ યોજવા મુખ્યમંત્રીને રાષ્ટ્રીય શૈક્ષિક સંઘ દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી છે.

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ ગુજરાત દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખીને એવી રજૂઆત કરવામાં આવી છે. કે, 550 વર્ષના લાંબા સંઘર્ષકાળ બાદ ભારતના સુવર્ણમય અમૃતકાળમાં પોષ સુદ બારસ વિક્રમ સંવત 2280, 22 જાન્યુઆરી, સોમવારના દિવસે અમૃતસિદ્ધિ યોગમાં રામલલ્લા મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અયોધ્યા નગરીમાં ઉત્સાહપૂર્વક યોજાશે. આ પુનિત પાવન પ્રસંગના સૌ સાક્ષી બનવાના છીએ. સુપ્રીમ કોર્ટેના ચુકાદા બાદ શ્રીરામ જન્મભૂમિ પર રામલલ્લા મંદિરની સદીઓ પછી પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. ગુજરાતમાં પણ બાળકો લઈને વડિલો આ ઉત્સવની રાહ જોઈ રહ્યા છે.

રામલલ્લા મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના શુભ દિને સૌની આકાંક્ષાઓ પૂરી થઈ રહી છે ત્યારે બાલરામ સ્વરૂપ વિદ્યાર્થીઓ તથા સંઘર્ષકાળના સાક્ષી શિક્ષકો આ મહોત્સવથી વંચિત ન રહે તે માટે ગુજરાતની તમામ પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખી રજા આપવા તેમજ તે સપ્તાહ દરમિયાન શાળાના વિદ્યાર્થી તથા સમાજને જોડી પ્રભાતફેરી, રામાયણના પાત્રોનો સમાવેશ કરતી નાટિકા, વેશભૂષા શ્રીરામ જન્મભૂમિ સંઘર્ષ ગાથાના વિષયને લઈ નિબંધ, વકતૃત્વ સ્પર્ધા, ક્વિઝ તેમજ અન્ય સ્પર્ધાઓ યોજવા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ ગુજરાતે માગણી કરી છે.

Exit mobile version