Site icon Revoi.in

જુનાગઢમાં શિવરાત્રિના મેળાનો હર હર મહાદેવના નાદ સાથે પ્રારંભ, સાધુઓએ ધૂણીઓ ધખાવી

Social Share

જુનાગઢઃ  શહેરના ભવનાથ મહાદેવના સાંનિધ્યમાં ગિરનાર તળેટીમાં મહાશિવરાત્રિ મેળાનો મંગળવારથી દબદબાભેર પ્રારંભ થયો છે. ભવનાથ મહાદેવ મંદિર પર ધ્વજારોહણ કર્યા બાદ મેળાને વિધિવત્ રીતે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. 8મી માર્ચ સુધી ચાલનારા આ મેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે.

ભવનાથ ક્ષેત્રમાં નાગા સંન્યાસીઓ, સાધુઓએ ધૂણીઓ ધખાવી છે. અને ભાવિકો દર્શન કરી રહ્યા છે. મેળા દરમિયાન સાંજને સમયે સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ વિવિધ કલાકારો ભજનોનું આયોજન પણ કરાયું છે. જુનાગઢ શહેરના ભવનાથ મહાદેવના સાંનિધ્યમાં ગિરનાર તળેટીમાં મહાશિવરાત્રિ મેળાનો પ્રારંભ જૂના અખાડાના મહામંડલેશ્વર હરિગિરિ મહારાજ, ભવનાથના સાધુ-સંતોની હાજરીમાં વિધિવત્ રીતે મેળો ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ પ્રસંગે  જૂનાગઢ મ્યુનિ.ના અધિકારીઓ, પદાધિકારીઓ, જિલ્લા વહિવટી તંત્ર, ઉચ્ચ અધિકારીઓની સાથે સમગ્ર દેશમાંથી આવેલા નાગા સંન્યાસીઓએ ભવનાથ મંદિર પટાંગણમાં હાજર રહી પાવનકારી ધજા, પૂજા-અર્ચનાનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. બમ બમ ભોલે, મહાદેવ હરના નાદ સાથે મહાશિવરાત્રિના મેળામાં લાખોની સંખ્યામાં ભક્તો ઊમટી પડયા છે. ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ એટલે મહાશિવરાત્રીનો મેળો, શિવરાત્રીના મેળાને મહાલવા દર્શન માટે ભાવિકો ઉમટી પડ્યા છે. મેળા દરમિયાન લોકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે તંત્ર દ્વારા પુરતું આયોજન કરવામાં આવ્યું છે. પોલીસનો પણ પુરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મેળોનો બંદોબસ્ત કુલ – 05 -ઝોનમાં વહેચવામાં આવ્યો છે.જેમાં દામોદરકુંડ ઝોન ,રૂપાયતન ઝોન ,ભવનાથ ઝોન, ગિરનાર ઝોન, સીટી ઝોન ,આ તમામ ઝોનમાં 01 -DYSP કક્ષાના અધિકારીને સુપરવિઝનની જવાબદારી સોંપવામાં આવી છે. તથા તેની સાથે પીઆઈ.પીએસઆઇ, પોલીસ, એસ.આર.પી.નો સ્ટાફ ફાળવવામાં આવ્યો છે. આ અધિકારી અને કર્મચારીને બોડીવાર્ન કેમેરા અને વોકીટોકી વાયરલેસ સેટ આપવામા આવ્યા છે.

શિવરાત્રીનો મેળાના પાવન પર્વ પર મુજકુંદ મહાદેવ અને મહામંડલેશ્વર મહેન્દ્ર નંદગીરીજીના સાનિધ્યમાં 15 થી વધુ સંસારીઓએ દીક્ષા ગ્રહણ કરી હતી. આ તમામ દીક્ષાર્થીઓએ સંસાર જીવનનો ત્યાગ કરી સનાતન હિંદુ સંસ્કૃતિમાં જીવન અર્પણ કર્યું હતું. શિવરાત્રી પાવન પર્વ પર સંસારીઓએ પોતાની રોજિંદી જીવન શૈલી છોડી સનાતન ધર્મ અને ગુરુ મંત્રને સાર્થક કરવા ઉત્તમ કાર્યો કરવાની નેમ લીધી હતી. અત્યાર સુધીમાં મહા મંડલેશ્વર મહેન્દ્રા નંદગીરી મહારાજ જીના સાનિધ્યમાં 550 થી વધુ દીક્ષાર્થીઓએ દીક્ષા લીધી હતી. દીક્ષા લીધા બાદ સંસારી પોતાનું રોજિંદુ જીવન કાર્ય છોડી માત્ર સનાતન હિન્દુ કાર્ય માટે જીવન જીવવાની નેમ લે છે. શુક્રવાર સુધી ઉલ્લાસ સાથે લાખો લોકો મેળો માણશે. છેલ્લા દિવસે મેળાની પૂર્ણાહુતિ શિવરાત્રિની રાત્રિએ સાધુ-સંતોની ભવ્ય રવાડી નીકળશે. જેમાં સાધુ-સંતો અવનવાં કરતબો કરશે. ભવનાથ વિસ્તારમાં આ રવાડી ફરી અને બાદમાં મંદિર ખાતે આવેલા મૃગીકુંડ ખાતે શાહી સ્નાન બાદ આ મેળો પૂર્ણ થશે. .