Site icon Revoi.in

ગુજરાતમાં ISIS મોડ્યુલ કેસમાં ચોંકાવનારા ખુલાસા, પાકિસ્તાન કનેક્શન ખુલ્યું

Social Share

અમદાવાદઃ શહેરમાં અષાઢીબીજના પાવન પર્વ ઉપર ભગવાન જગન્નાથજીની પરંપરાગત રથયાત્રા યોજાવવાની છે. આ રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે પોલીસ દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. દરમિયાન ગુજરાત ત્રાસવાદી વિરોધી દળ એટલે કે એટીએસની ટીમે આઈએસઆઈએસ મોડ્યુઅલનો પર્દાફાશ કરીને પોરબંદર અને સુરતથી એક મહિલા સહિત ચાર શંકાસ્પદ આતંકવાદીઓને ઝડપી લેવામાં આવ્યાં હતા. તેમની પ્રાથમિક તપાસમાં પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું હતું. એટલું જ નહીં આરોપીઓ પોરબંદરથી અફઘાનિસ્તાન થઈને ઈરાન જવાના હતા અને ખુરાસાન પહોંચીને આતંકી તાલીમ લીધા બાદ આતંકવાદી પ્રવૃતિને અંજામ આપવાના હતા. જો કે, તેઓ દેશ છોડીને ભાગે તે પહેલા જ ગુજરાત પોલીસે મોટા ઓપરેશનને અંજામ આપીને આરોપીઓને દબોચી લીધા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત એટીએસના ઉચ્ચ અધિકારીઓએ બાતમીના આધારે પોરબંદરમાં ધામા નાખ્યાં હતા. પોરબંદર રેલવે સ્ટેશન પાસેથી ઉમેદ નાસીર મીર, હમાલ હયાત સોલ, મોહંમદ હાજી આરોપીઓની અટકાયત કરી હતી. તેમની પૂછપરછ દરમિયાન સુરતની સુમેરાબાનુનું નામ સામે આવ્યું છે. જેથી પોલીસે સુરતથી મહિલાની પણ અટકાયત કરી હતી.

આરોપીઓ પાસેથી પોલીસને મોબાઈલ ફોન અને લેપટોપ સહિતની વસ્તુઓ મળી આવી હતી. જેની તપાસ શરૂ કરવામાં આવી હતી. દરમિયાન સમગ્ર પ્રકરણમાં પાકિસ્તાનનું કનેક્શન સામે આવ્યું હતું. આરોપીઓ પાકિસ્તાનમાં પોતાના આકાના સતત સંપર્કમાં હોવાનું સામે આવ્યું છે. આ પ્રકરણમાં અન્ય એક આરોપીની સંડોવણી સામે આવી છે.

આરોપી શ્રીનગરનો હોવાનું જાણવા મળે છે. ગુજરાત ઉપરાંત દિલ્હી અને કાશ્મિરમાં પણ તપાસ હાથ ધરાવામાં આવી રહી છે. ISISના મોડ્યુલ પર આરોપીઓ સોશિયલ મીડિયા દ્વારા યુવાનોને કટ્ટર બનાવાનું કામ કરતા હતા. ગુજરાત એટીએસની ટીમે પોરબંદરમાંથી 3 અને સુરતથી એક મહિલા સહિત ચાર કથિત આતંકવાદીઓને ઝડપી લઈને તેમની આગવીઢબે પૂછપરછ આરંભી છે. આરોપીઓની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે. આ ઉપરાંત આઈએસઆઈએસ સાથે સંકળાયેલા અન્ય આરોપીઓને ઝડપી લેવા માટે તપાસના ચક્રોગતિમાન કર્યાં છે.