Site icon Revoi.in

દિવાળીની રજાઓ પહેલા જ શોર્ટ ડેસ્ટીનેશન પ્રવાસન સ્થળો ફુલ થવા લાગ્યાં

Social Share

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના બીજા કાળે લગભગ વિદાય લઈ લીધી છે. નિયંત્રણો પણ સરકારે ઉઠાવી લેતા હવે જનજીવન રાબેતા મુજબનું બની ગયું છે. આ વર્ષે ઘણાબધા પરિવારોએ દિવાળીના વેકેશનમાં પર્યકટ સ્થળોએ ફરવા જવાનો પ્લાનિંગ કરી લીધો છે. દિવાળીના તહેવાર પર શોર્ટ ડેસ્ટીનેશન પ્રવાસન સ્થળો અત્યારથી જ ફૂલ થવા લાગ્યા છે. જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, સાપુતારા, સોમનાથ, દ્વારકા, સાસણ, દિવ-દમણ અને કચ્છ ટેન્ટ સિટીમાં પ્રવાસીઓનું બુકિંગ વધ્યું છે.  ઉપરાંત  ગુજરાત બહારના સ્થળોમાં રાજસ્થાનના ઉદયપુર, રણકપુર, જેસલમેર, કુંભલગઢ પ્રવાસીઓની પહેલી પસંદ બન્યા છે. સાથે જ જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશમાં પણ પ્રવાસીઓ વધ્યા છે. જો કે હવાઈ મુસાફરીના ભાડા વધતા પ્રવાસન મોંઘો બન્યો છે. પરંતુ કોરોનાના લીધે ઈન્ટરનેશનલ પ્રવાસન બંધ હોવાથી ડોમેસ્ટીક ટુરીઝમને વેગ મળ્યો છે.

ગુજરાતમાં કોરોના સંક્રમણ  કાબૂમાં આવ્યા બાદ પ્રવાસન ઉદ્યોગે જોર પકડ્યું છે. ગુજરાતીઓ આ વર્ષે દિવાળી અને નવા વર્ષે મીની વેકેશન ઉજવવાની તૈયારીઓ કરી રહ્યાં છે. જોકે, આ વર્ષે નજીકના પર્યટક સ્થળોએ ફરવા જવાનો લોકોમાં વધુ ક્રેઝ જોવા મળી રહ્યો છે.  ટૂર ઓપરેટર્સ અને ટ્રાવેલ એજન્ટ્સનું માનવુ છે કે, લોકો પોતાના વાહનોમાં સવાર થઈને જવાનું પસંદ કરી રહ્યાં છે. કોરોના કાળ દરમિયાન ગત બે વર્ષમાં લોકો ક્યાંય બહાર ગયા નથી. જેથી આ દિવાળીએ લોકોએ ફરવાનું મન બનાવી લીધું છે.

ટ્રાવેલ એજન્ટ્સના જણાવ્યા મુજબ અનેક લોકો સોમનાથ, દ્વારકા, મોઢેરા, પાવાગઢ, અંબાજી, જૂનાગઢના ગિરનાર પર્વત જેવા ધાર્મિક સ્થળો પર પસંદગી ઉતારી રહ્યાં છે. અનેક લોકો નજીકના કેન્દ્રશાસિત પ્રદેશો દીવ, દમણ અને દાદરા નગર હવેલીનો પ્રવાસ કરવા માંગે છે. સાપુતારા, સાસણ ગીર, સ્ટેચ્યુ ઓફ યુનિટીની ટેન્ટ સિટી અને કચ્છ રણોત્સવ લોકોની પસંદ બની રહ્યાં છે.  જ્યારે બ્લ્યૂ ફ્લેગ બીચનું ટેગ મળ્યા બાદ દ્વારકા પાસેનું શિવરાજપુર બીચ લોકોની પહેલી પસંદ બન્યુ છે. તેમાં ગુજરાતની સાથે સાથે પાડોશી રાજ્યના લોકો પણ અહી આવી રહ્યાં છે. તો બીજી તરફ કચ્છના માંડવી અને રણોત્સવમાં લગભગ 80 ટકા બુકિંગ ફુલ થઈ ચૂક્યુ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી જનારા પ્રવાસીઓની સંખ્યા વધી રહી છે.

Exit mobile version