Site icon Revoi.in

અમદાવાદ મ્યુનિ. કોર્પો. સંચાલિત SVP હોસ્પિટલમાં સારવારના દરમાં કરાયો તોતિંગ વધારો

Social Share

અમદાવાદઃ શહેરની મ્યુનિ. કોર્પોરેશન સંચાલિત એસવીપી હોસ્પિટલમાં સારવારના ભાવમાં વધારો ઝીંકવામાં આવ્યો છે, એટલું જ નહીં હવે હોસ્પિટલમાં દાખલ થતા દર્દીએ રૂ.5 હજારથી લઈને 20 હજાર સુધીની ડિપોઝિટ પણ ભરવી પડશે. જનરલ વોર્ડના દર્દીઓ માટે રજિસ્ટ્રેશન કરવા વધારાના રૂ.50 ચાર્જ નક્કી કરાયો છે. જનરલ વોર્ડમાં દાખલ થનારા દર્દીએ પણ 5 હજાર ડિપોઝિટ ભરવી પડશે. જોકે આ વધારો શહેરની અન્ય કોર્પોરેટ હોસ્પિટલોની સરખામણીએ ઘણો ઓછો હોવાનો તંત્રનો દાવો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ મ્યનિ.કોર્પોરેશન સંચાલિત એસવીપી હોસ્પિટલમાં ગરીબ પરિવારોને ન પરવડે એવા સારવારના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. ઈમર્જન્સી મેડિકલ ઓફિસરનો ચાર્જ 150થી વધારીને 300 રૂપિયા કરાયો છે. જનરલ આઈસીયુનો ચાર્જ બે હજાર જ્યારે અન્ય શ્રેણીના આઈસીયુનો ત્રણ હજાર ચાર્જ નક્કી કરાયો છે. સિનિયર સિટિઝન્સ માટે જિરિયાટ્રિક લેબ શરૂ કરાઈ છે. એસવીપીના સીઈઓ રમ્યકુમાર ભટ્ટે કહ્યું હતું કે એસવીપીએ કોવિડ દરમિયાન 17 હજારથી વધુ દર્દીઓને સારવાર આપી છે. હોસ્પિટલના રિવાઈઝ રેટમાં જનરલ વોર્ડના 1200 બેડ પર દાખલ થતા દર્દીઓના ચાર્જીસમાં કોઈ વધારો કરાયો નથી. માત્ર એક્ઝિક્યુટિવ કેટેગરીમાં વધારો કરાયો છે. જોકે આ રેટ અન્ય કોર્પોરેટ હોસ્પિટલોની સરખામણીએ ઘણા વાજબી છે.