ઇસ્લામાબાદ, 15 જૂન 2026: પાકિસ્તાન અધિકૃત જમ્મુ-કાશ્મીરમાં ચાલી રહેલા જનઆંદોલન અને ઉગ્ર વિરોધ પ્રદર્શનો વચ્ચે પાકિસ્તાન સરકાર અને ત્યાંના સુરક્ષા દળોનો ક્રૂર ચહેરો ફરી એકવાર દુનિયા સામે આવ્યો છે. POJK ના સ્થાનિક રાજકીય નેતાઓ અને આંદોલનકારીઓએ પાકિસ્તાન સરકાર પર અત્યંત ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું છે કે, પ્રદેશમાં ચાલી રહેલા આઝાદીના આંદોલનને કચડી નાખવા માટે પાકિસ્તાને હવે કાવતરાના ભાગરૂપે ખાદ્ય સામગ્રી અને આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો રોકવાનું શરૂ કરી દીધું છે. જેના કારણે સ્થાનિક નાગરિકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
સ્થાનિક સંગઠનોના આક્ષેપ અનુસાર, મીરપુરના ‘દાહંગલી એન્ટ્રી પોઇન્ટ’ નજીક પાકિસ્તાની સુરક્ષા દળો દ્વારા વાહનોના ચેકિંગના નામે ભારે હેરાનગતિ કરવામાં આવી રહી છે. POJK માં પ્રવેશતા વાહનોમાંથી ફળો, શાકભાજી, માંસ અને અન્ય ખાદ્યપદાર્થો જપ્ત કરવામાં આવી રહ્યા છે અને ટ્રકોને અંદર પ્રવેશવા દેવામાં આવતી નથી. સ્થાનિક નેતાઓએ સોશિયલ મીડિયા પર આ સ્થિતિને પાકિસ્તાન સરકાર દ્વારા લાદવામાં આવેલો “ફૂડ બ્લોકેડ” ગણાવ્યો છે અને તેને માનવાધિકારોનું ઘોર ઉલ્લંઘન ગણાવી વૈશ્વિક સ્તરે આકરી નિંદા કરી છે.
-
મુઝફ્ફરાબાદ સહિતના તમામ નાના-મોટા શહેરોમાં પ્રદર્શનો
POJK માં છેલ્લા કેટલાક અઠવાડિયાથી ચાલી રહેલો વિરોધ હવે બેકાબૂ બન્યો છે અને પ્રદેશમાં ગૃહયુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે. રાવલાકોટ, બાગ, હટ્ટિયાં બાલા, કોટલી, મીરપુર, સુધનોતી, ધીરકોટ, ડડ્યાલ અને રાજધાની મુઝફ્ફરાબાદ સહિતના તમામ નાના-મોટા શહેરોમાં પ્રદર્શનો વ્યાપક બન્યા છે. આ જનઆંદોલનમાં અત્યાર સુધીમાં 1.5 લાખથી વધુ લોકો લાકડાના ડંડા અને બેનરો સાથે રસ્તા પર ઉતરી આવ્યા છે અને પાકિસ્તાનથી આઝાદીના નારા લગાવી રહ્યા છે.
સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, આ શાંતિપૂર્ણ આંદોલનને કચડી નાખવા માટે પાકિસ્તાની સેના અને પંજાબ કોન્સ્ટેબ્યુલરીની પોલીસે પ્રદર્શનકારીઓ પર અંધાધૂંધ અને બર્બરતાપૂર્વક ગોળીબાર કર્યો છે. આ સૈન્ય કાર્યવાહીમાં અત્યાર સુધીમાં 11 નિર્દોષ લોકોના મોત થયા છે, જ્યારે 70 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ છે. હાલમાં પાકિસ્તાન પ્રશાસન આ આખા મામલાને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ગણાવીને દબાવવાનો પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ “ફૂડ બ્લોકેડ” અને સેનાની આ હિંસક કાર્યવાહીના કારણે POJK માં સ્થિતિ વધુ વણસી ગઈ છે. આવનારા દિવસોમાં આ મુદ્દે આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાન ઘેરાય તેવી પૂરેપૂરી શક્યતા છે.

