Site icon Revoi.in

સોનાની દાણચોરી માટે તસ્કરે અપનાવી નવી તરકીબઃ મોઢામાં છુપાવ્યું લાખોનું સોનુ

Social Share

મુંબઈઃ કોરોનાના કેસમાં ઘટાડો થતા હવે દેશમાં ફરીથી હવાઈ સેવાઓમાં વધારો કરવામાં આવ્યો છે. બીજી તરફ દાણચોરો પણ તસ્કરી માટે સક્રીય થયા હોય તેમ લાગી રહ્યું છે. દરમિયાન કર્ણાટકના બેંગ્લોર એરપોર્ટ ઉપર દુબઈથી ફ્લાઈટમાં આવેલા એક દાણચોરને સોના સાથે ઝડપી લેવામાં આવ્યો હતો. આ દાણચોરે કસ્ટમના અધિકારીઓને ચકમો આપવા માટે સોનાને મોઢાની અંદર છુપાવ્યું હતું. જો કે, શંકાના આધારે કસ્ટમના અધિકારીએ પૂછપરછ કરતા મોઢામાં છુપાયેલા સોનાનો પર્દાફાશ થયો હતો. તેના મોઢામાંથી રૂ. 4.50 લાખનું સોનું મળી આવ્યું હતું. આ ઉપરાંત ફ્લાઈટમાંથી પણ રૂ. 50 લાખનું સોનું બિનવારસી હાલમાં મળી આવ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર દુબઈથી આવેલા એક વિમાનમાંથી ઉતરેલા 42 વર્ષિય મુસાફરને શંકાના આધારે કસ્ટમના અધિકારીએ અટકાવ્યો હતો. મૂળ ચેન્નાઈના આ પ્રવાસીની કસ્ટમના અધિકારીઓએ પૂછપરછ આરંભી હતી. આ દરમિયાન પ્રવાસીને બોલવામાં તકલીફ થતી હોવાનું માલુમ પડ્યું હતું. જેથી કસ્ટમના અધિકારીએ તેનું મોઢુ ખોલાવ્યું હતું. તેમજ અંદરથી રૂ. સાડા ચાર લાખના સોનાના ટુકડા મળી આવ્યાં હતા. સોનુ છુપાવવાની તરકીબ જોઈને કસ્ટમના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. જેથી કસ્ટમના અધિકારીઓએ તેની ધરપકડ કરીને તપાસ આરંભી હતી. એટલું જ નહીં ફ્લાઈટમાં પણ તપાસ કરતા અંદરથી રૂ. 50 લાખની કિંમતના સોનાના ટુકડા મળી આવ્યાં હતા. આ ટુકડા ચેન્નાઈના પ્રવાસીએ જ છુપાવ્યાં હોવાનું મનાઈ રહ્યું છે. આરોપી તા. 14મી ઓક્ટોબરના રોજ હવાઈ માર્ગે ચેન્નાઈથી દુબઈ ગયો હતો. તેમજ ત્યાંથી હવાઈ માર્ગે બેંગ્લોર આવ્યો હતો. આરોપીની તપાસમાં અન્ય ખુલાસા થવાની શકયતા છે.